રાજકોટ શહેર-જિલ્લામાં સસ્તા અનાજની 70 બ્રાન્ચ FPS શરૂ થશે : લાંબા સમયથી ચાલતી દુકાનો મર્જ કરવાની સાથે બ્રાન્ચમાં ફેરવાશે
એક સમયે મલાઈદાર ગણાતી સસ્તા અનાજની દુકાનોમાં પારદર્શિતાને કારણે ગેરરીતિ બંધ થવાથી હાલમાં અનેક દુકાનદારો રાજીનામા આપી રહ્યા છે તેવા સમયે જિલ્લામાં ચાર નવી દુકાન ખોલવા માટે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સાથે જ જિલ્લામાં ત્રણ દુકાનો મર્જ કરી બે બ્રાન્ચ FPS મંજુર કરવામાં આવી છે. જિલ્લા પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ સરકારની જોગવાઈ મુજબ શહેર-જિલ્લામાં ચાર્જમાં ચાલતી 70 દુકાનોને બ્રાન્ચ FPSમાં ફેરવવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા તા.26 જુલાઈના પરિપત્રમાં નવી વાજબી ભાવની દુકાન માટેનો ક્રાઈટ એરિયા બદલી નાખતા હવેથી ગ્રામ્યમા 3000ની વસ્તી અને આ વસ્તી હેઠળ આવતા 75 ટકા NFSA કાર્ડ હોય તો જ નવી વાજબી ભાવની દુકાન શરૂ થઇ શકેશે. જો કે, રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાના કનસરા, લોધિકાના ખીરસરા, પડધરીના તરઘરી તેમજ વિછિયા તાલુકાના રૂપાવટી ગામમાં ઉપરોક્ત નિયમ મુજબ દુકાન શરૂ કરવા માટેની શરતો પૂર્ણ થતી હોય જિલ્લા પુરવઠા અધિકારી એ.એસ.ઝાંપડા દ્વારા નવી વાજબીભાવની દુકાન માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામાં કુલ 722 વાજબીભાવની દુકાનો છે જેમાં 184 દુકાન શહેરમાં અને 538 દુકાનો ગ્રામ્ય વિસ્તારમાં આવેલી છે.
દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લામાં દુકાનદારોના રાજીનામા સહિતના વિવિધ કારણોસર 70 દુકાન ચાર્જમા ચાલી રહી હોવાથી આવી વાજબીભાવની દુકાનો ચાર્જમાં ચલાવવાને બદલે સરકારની જોગવાઈ મુજબ રેશનકાર્ડ ધારકો અને દુકાનદારની સુગમતા માટે બ્રાન્ચ FPS ખોલવામાં આવશે.જે અન્વયે જિલ્લા પુરવઠા અધિકારી એ.એસ.ઝાંપડા દ્વારા તાજેતરમાં રાજકોટના ઘંટેશ્વર અને જામકંડોરણા તાલુકાના નાના દુધીવદર ગામની બ્રાન્ચ FPS મંજુર કરી છે. આ ઉપરાંત જસદણના સાણથલી અને વીરનગરમાં તેમજ ધોરાજીના મોટીમારડમાં ત્રણ દુકાનો મર્જ કરવા પણ નિર્ણય લેવાયો હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું. હજુપણ 27 દુકાનો મર્જ કરવાની કાર્યવાહી ચાલુ હોવાનું તેમને જણાવ્યું હતું.