રાજકોટની એક સહિત રાજ્યની ૭ હોસ્પિટલ PMJAYમાંથી સસ્પેન્ડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડ પછી સરકારનું આકરું પગલું : ચાર ડોક્ટરોની સ્પેશિયલિટી પણ ગઈ
ફ્રી મેડિકલ કેમ્પ યોજી પીએમજેવાયએ યોજના હેઠળ દર્દીઓની જાણ બહાર સારવાર કરી નાણાં કમાવવાના કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલની મુખ્ય ભૂમિકા બહાર આવ્યા બાદ સરકારે સાફસૂફી શરુ કરી છે અને તેના ભાગરૂપે રાજકોટની એક હોસ્પિટલ સહિત રાજ્યની સાત હોસ્પિટલને આ યોજનામાંથી સસ્પેન્ડ કરી નાખી છે. હવે આ હોસ્પિટલ મારફત આ યોજનાનો લાભ લઇ નહી શકાય.
સરકારે ચાર ડોક્ટરની સ્પેશિયાલિટી પણ રદ કરી નાખી છે.
સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, પીએમજેએવાય યોજનામાંથી ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. જેમાં અમદાવાદની 3, સુરત-વડોદરા-રાજકોટ ની 1-1 તથા ગીર સોમનાથની 1 હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં શ્રી જીવન જ્યોત આરોગ્ય સેવા સંસ્થા, ગીર સોમનાથ,નારીત્વ ટર્નિંગ પોઇન્ટ હેલ્થ કેર પ્રા.લી, અમદાવાદ,શિવ હોસ્પિટલ, અમદાવાદ,,નિહિત બેબીકેર ચિલ્ડ્રન હોસ્પિટલ, રાજકોટ, ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદ,સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ, સુરત અને સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ, વડોદરાનો સમાવેશ થાય છે.
સરકાર દ્વારા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખ્યાતી હોસ્પિટલનાં ડો પ્રશાંત વઝીરાણી ઉપરાંત રાજકોટના ડો. હિરેન મશરૂ,અમદાવાદના સર્જીકલ ઓન્કોલોજીસ્ટ ડો. મિહિર શાહ અને રેડીયેશન ઓન્કોલોજીસ્ટ ડો. કેતન કાલરીયાનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં કેટલા આયુષ્માનકાર્ડ ધારકો છે
ગુજરાતમાં કુલ 2.61 કરોડ આયુષ્યમાન કાર્ડ ધારકો છે. 1.38 કરોડ પુરુષ અને 1.22 કરોડ મહિલાઓ પાસે એયુષ્યમાન કાર્ડ છે. અમદાવાદમાં સૌથી વધુ 24.01 લાખ, સુરતમાં 19.56 લાખ, રાજકોટમાં 15 લાખ, બનાસકાંઠામાં 12.26 લાખ, વડોદરામાં 10.23 લાખ આયુષ્યમાન કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યભરમાંથી 924 પ્રાઈવેટ અને 1752 પબ્લિક એમ કુલ 2676 હોસ્પિટલ એમ્પેનલ્ડ છે. આયુષ્યમાન યોજના હેઠળ સૌથી વધુ હોસ્પિટલ જોડાયેલી હોય તેમાં બનાસકાંઠા 249 સાથે મોખરે, અમદાવાદ 213 સાથે બીજા, સુરત 163 સાથે ત્રીજા, રાજકોટ 142 સાથે ચોથા, મહેસાણા 121 સાથે પાંચમાં સ્થાને છે. ડાંગમાં સૌથી ઓછી 8, પોરબંદરમાં 20, નર્મદામાં 23 હોસ્પિટલ સંકળાયેલી છે.
