રાજકોટમાં 646 પ્રાચીન ગરબી-32 અર્વાચીન રાસોત્સવઃ 12ના ટકોરે બંધ કરાવાશે : 1000થી વધુ પોલીસ-હોમગાર્ડ SRPનો બંદોબસ્ત રખાશે તૈનાત
22 સપ્ટેમ્બરથી નવલી નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પાછલા વર્ષોની તુલનાએ આ વર્ષે પ્રાચીન-અર્વાચીન રાસોત્સવના આયોજનની સંખ્યામાં પણ વધારો થવા પામ્યો છે. આ વર્ષે રાજકોટમાં 73 પ્રાચીન ગરબી, 573 શેરી ગરબી તેમજ 32 અર્વાચીન રાસોત્સવનું આયોજન થનાર હોવાનું ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું કે તમામ રાસોત્સવના આયોજન માટે 1000થી વધુ પોલીસ, હોમગાર્ડ અને એસઆરપીનો બંદોબસ્ત તૈનાત રખાશે. આ ઉપરાંત મોટર સાઈકલ ઉપર પણ રાસોત્સવ ચાલે ત્યાં સુધી પેટ્રોલિંગ કરવામાં આવશે. ખાસ કરીને તમામ આયોજન રાત્રે 12 વાગ્યા સુધીમાં બંધ કરી દેવાના રહેશે. આ મામલે પોલીસ દ્વારા કોઈ ઢીલાશ રાખવામાં આવશે નહીં.
જ્યારે આયોજકો માટે પણ પોલીસે નિયમો અમલી બનાવ્યા છે જેમાં ખાસ કરીને અર્વાચીન રાસોત્સવ કે જ્યાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ એકઠા થાય છે ત્યાં કોઈ પ્રકારની અફડાતફડી ન સર્જાય તે માટે અલગ-અલગ એન્ટ્રી-એક્ઝિટ ગેઈટ રાખવા ઉપરાંત દરેક દિવસના સીસીટીવી ફૂટેજ સાચવવા, પાર્કિંગ માટે અલાયદી વ્યવસ્થા કરવા, માઈક-લાઉડ સ્પીકરનો અવાજ નિર્ધારિત કરાયેલા નિયમ પ્રમાણે જ રાખવા સહિતનો સમાવેશ થાય છે. આ તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત મહિલા ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી રાસોત્સવમાં શી-ટીમ પણ ફ્રી-ડ્રેસમાં નજર રાખશે.
