44 પ્રવાસન સ્થળોને જોડતાં 58 માર્ગો અપગ્રેડ કરાશે
ટુરીઝમ ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળશે, રોજગારીની નવી તકો સર્જાશે
રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિને ગતિશીલ બનાવીને વધુમાં વધુ પ્રવાસીઓને આકર્ષિત કરવા પ્રવાસન સ્થળોને જોડતાં માર્ગોની સુધારણાના અભિગમ સાથે રાજ્યના 44 પ્રવાસન સ્થળોને જોડતાં રાજ્ય અને પંચાયત હસ્તકના કુલ 58 હયાત માર્ગોના અપગ્રેડેશન, વાઇડનિંગ અને સ્ટ્રેન્ધનિંગના કામો માટે ₹2268.93 કરોડ મંજૂર કર્યા છે.
આ મહત્ત્વપૂર્ણ નિર્ણયને પગલે ટુરીઝમ ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળશે અને ‘વોકલ ફોર લોકલ’ ધ્યેય અંતર્ગત સ્થાનિક હસ્તકલા કારીગરીના અને ગૃહ ઉત્પાદનોના વેચાણમાં વૃદ્ધિ થવાથી જે તે વિસ્તારના લોકોનું જીવન ધોરણ સુધરશે.
રાજ્યના મહત્ત્વના પ્રવાસન સ્થળોને જોડતાં રસ્તાઓની સર્કિટના વિકાસ દ્વારા આવા પ્રવાસન સ્થળોની કનેક્ટિવિટી અને સુલભતા વધારવાનો અભિગમ પણ રાખ્યો છે. 58 માર્ગોની સુધારણાથી આ અભિગમને વેગ મળવા સાથે પ્રવાસીઓને સારું અને વધુ કાર્યક્ષમ રોડ નેટવર્ક મળશે. જેના લીધે મુસાફરોનો સમય અને ખર્ચ ઘટશે. આ સાથે સાથે કનેક્ટિવિટી વધવાથી પ્રવાસન સ્થળોની આસપાસના વિસ્તારના લોકો માટે નવી રોજગારની તકોનું સર્જન થશે અને આર્થિક વિકાસ થશે.
રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તરોત્તર સંગીન બનાવીને નાગરિકો તથા ઉદ્યોગ-વ્યાપારને ‘ઇઝ ઑફ ટ્રાન્સપોર્ટેશન’ આપવાના ધ્યેય સાથે રાજ્યમાં ફોરલેન માર્ગોની સાપેક્ષમાં જે હયાત પુલો અને સ્ટ્રકચર્સ સાંકડા છે તેને પહોળા કરવાના 11 કામો માટે ₹467.50 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે.
આ ઉપરાંત અન્ય એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈને ઔદ્યોગિક અને ક્વોરી વિસ્તારોને જોડતાં 29 રસ્તાઓના મજબૂતીકરણ, વિસ્તૃતિકરણ અને કાચા માર્ગોથી પાકા માર્ગો બનાવવા ₹189.90 કરોડ મંજૂર કર્યા છે.