રાજકોટમાં એક સાથે 500 હોમગાર્ડને ઘેર બેસાડી દેવાયા! બહારગામ ફરજ પર ન જવા માટે અવનવા બહાના કાઢતા આખરે ‘સજા’ અપાઇ
કોઈ પણ તહેવાર હોય કે પછી પોલીસ મથકમાં પોલીસ કર્મીઓની મદદમાં ફરજ બજાવવાની હોમગાર્ડની કામગીરી રહેતી હોય છે. જો કે છેલ્લા એક વર્ષથી રાજકોટ હોમગાર્ડ વિભાગમાં બહારગામ ફરજ બજાવવાનો હુકમ થાય એટલે અવનવા બહાના કાઢી ફરજમાંથી છટકી જવાનો સિલસિલો શરૂ થઈ ગયો હોવાથી આખરે એક સાથે 500 હોમગાર્ડને ઘરે બેસાડી દેવાની ‘સજા’ કરાતા સ્ટાફમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
આ અંગે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ કે. બી.કાનાણીએ ‘વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તાજેતરમાં જ સુરત ખાતે ગણેશોત્સવમાં ફરજ બજાવવા માટે રાજકોટથી 500 હોમગાર્ડની ફાળવણી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો પરંતુ તમામ દ્વારા કોઈને કોઈ બહાના કાઢીને ફરજ બજાવવા માટે સુરતમાં હાજર ન થતાં તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ 500 હોમગાર્ડને સસ્પેન્ડ કે છૂટા કરવામાં આવ્યા નથી. તેઓ ફરજ ઉપર જ ગણાશે પરંતુ પોલીસ મથકમાં રાત-દિવસ માટે અલગ-અલગ ડયુટી કરવાની હોય છે તે તેઓ કરી શકશે નહીં. જો કે ઈદ, ગણેશ વિસર્જન સહિતના તહેવારોમાં ફરજ બજાવવા માટે તેમણે ફરજિયાત હાજર થવાનું રહેશે.
આ પણ વાંચો :ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 3 દિવસ માટે મળશે : આ 5 નવા ખરડા રજૂ થશે
તે ઓ જ્યારે જ્યારે ફરજમાં હાજર રહેશે ત્યારે તેમને 400 રૂપિયાથી વધુનું મહેનતાણું મળશે અને જ્યાં સુધી ઘેર બેસશે ત્યાં સુધી પૈસા મળશે નહીં. એકંદરે છેલ્લા એક વર્ષ દરમિયાન ત્રણેક વખત બહારગામની ફરજ સોંપવામાં આવે એટલે ઘરમાં કોઈ બિમાર છે, પોતાનો ધંધો હોવાથી જઈ શકે તેમ નથી સહિતના બહાના કાઢત્તામાં આવતા હોય આખરે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે કેમ કે હોમગાર્ડ પણ ડિસિપ્લીન ફોર્સ હોય તેમણે શિસ્તમાં રહેવું અત્યંત આવશ્યક બની જાય છે. ઘણાખરા પોલીસ મથકમાં હોમગાર્ડની જ બોલબાલા રહે છે.
