રાજકોટના લોકમેળામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા 500 કર્મચારીઓને રાઉન્ડ ધ કલોક બજાવશે ફરજ
જન્માષ્ટમી પર્વે શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર લોકમેળામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેકટર તંત્ર દ્વારા કવીક રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે ત્યારે લોકમેળામાં જનસુખાકારી માટે 500 જેટલા અધિકારીઓને રાઉન્ડ ધ ક્લોક ફરજ સોંપવામાં આવી છે જેમાં મામલતદાર, TDO, હેલ્થ, આરએમસી અને PGVCL સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મેળામાં સફાઈ કામગીરી માટે 100 જેટલા સફાઈ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવશે.

સમગ્ર સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાતા લોકમેળામાં દર વર્ષે પાંચ દિવસ દરમિયાન 12 થી 15 લાખ લોકો ઉમટી પડતા હોય મેળો મહાલવા આવતા સહેલાણીઓની સવલત અને સલામતી માટે લોકમેળા સમિતિ દ્વારા 500 જેટલા કર્મચારીઓને વિશેષ ફરજ સોંપી છે જેમાં તા.14 થી 18 ઓગસ્ટ દરમિયાન મામલતદાર, TDOGSTના અધિકારી, DILR કચેરી તેમજ સીટી સર્વે કચેરીના 164 કર્મચારીઓ, PGVCLના એચટી ડિવિઝનના 36 , મહિલા અને બાળ વિભાગના 20 , RMC આરોગ્ય વિભાગના (ફૂડ વિભાગ)ના 13, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના 8 તેમજ શિફ્ટવાઇઝ સફાઈ માટે 100 સફાઈ કામદારને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત લોકમેળામાં રાજકોટ મહાનગર પાલિકાના વોટર વર્કસ વિભાગના ૬, કાનૂની તોલમાપ વિભાગના 12 અધિકારીઓને લોકમેળામાં લોકો સાથે છેતરપિંડી ન થાય તે જોવાની જવાબદારી સુપરત કરાઈ છે.
આ પણ વાંચો : દ્વારકા, ચોટીલા, તરણેતર સહિતના મંદિરોએ હથિયારધારી જાપ્તો રહેશે : સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં જન્માષ્ટમી પર્વને લઇને સુરક્ષા સંગીન કરાઈ
સાથે જ નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગના વિદ્યુત વિભાગના 30, તમ,તમામ યાંત્રિક રાઈડ્સની ચકાસણી માટે 20 અધિકારી-કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. તેમજ લોકમેળામાં આરોગ્ય સંબંધિત કામગીરી માટે પંડિત દીનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલના 30 કર્મચારીઓને પણ ફરજ સોંપવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
