રાજકોટમાં 42.1 ડિગ્રી ! આજથી ગરમીમાં રાહતના અણસાર
સુરેન્દ્રનગર, પોરબંદર અને કચ્છમાં આજે પણ ગરમીનું યલો એલર્ટ
રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઉનાળાના પ્રારંભે જ આગ ઓકતી ગરમી વચ્ચે હવામાન વિભાગે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યા બાદ આજથી ગરમીમાં રાહતના અણસાર આપ્યા છે, જો કે, આજે પણ હવામાન વિભાગે સુરેન્દ્રનગર, પોરબંદર અને કચ્છમાં આજે પણ ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. રાજકોટમાં બુધવારે મહત્તમ તાપમાનનો પારો 42.1 ડિગ્રીને આંબી જતા લોકો ગરમીથી તોબા પોકારી ગયા હતા. બીજી તરફ દિવસભર આગ ઓકતી ગરમી વચ્ચે રાત્રીના પણ અકળાવનારી ગરમીનો અહેસાસ થયો હતો.
ઉત્તર અને પશ્ચિમ દિશામાંથી ફૂંકાઈ રહેલા પવનો વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળી હવાઓ ચાલી રહી છે ત્યારે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં હીટવેવ વચ્ચે હવામાન વિભાગે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું હતું. જો કે, હવામાન વિભાગે આજથી ગરમીમાં રાહતના સંકેતો આપી મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થવાના સંકેત આપ્યા હતા.બીજી તરફ બુધવારે રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર રાજકોટ રહ્યું હતું. રાજકોટમાં બુધવારે મહત્તમ તાપમાન 42.1 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત અમરેલીમાં 41.0, પોરબંદરમાં 40.8, અમદાવાદમાં 40.7, ગાંધીનગરમાં 40.6, ડીસામાં 40.2, વડોદરામા 40.0, નલિયા અને કંડલામાં 39, સુરતમાં 38.5 અને ભાવનગરમાં 37.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
