બંગલોમાંથી ચોરી થઇ હતી 40 લાખની, તસ્કર પકડાયો’તો ભાવ થઇ ગયો 70 લાખ! વાંચો રાજકોટનો ચોરીનો કિસ્સો
દિવાળીના દિવસે જ રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં આવેલી ભક્તિનગર સોસાયટી શેરી નં.5માં આવેલા `અલભ્ય’ નામના મકાનમાં સાડા ત્રણ કલાકની અંદર જ 40 લાખના ઘરેણા-રોકડ ચોરી થયાનો બનાવ બનતા પોલીસમાં દોડધામ થઈ જવા પામી હતી. બીજી બાજુ તહેવાર દરમિયાન પણ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે તમામ `કસરત’ કરીને આખરે ભાવનગરના તસ્કરને તમામ ચોરાઉ મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો.
આ અંગે પેલેસ રોડ ઉપર ઘડામણ ધ ફાઈન ક્રાફ્ટીંગ નામથી સોનાના દાગીનાની દુકાન ચલાવતા અને ભક્તિનગર સોસાયટી શેરી નં.5માં રહેતા દિશાંત જયેશભાઈ રાણપરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે દિવાળીના દિવસે દુકાન પર ચોપડા પૂજનની વિધિ હોવાથી આખોયે પરિવાર 7ઃ30થી 8 વાગ્યા સુધીમાં ઘરને તાળું મારી નીકળ્યા બાદ રાત્રે 11ઃ30 વાગ્યા આસપાસ પરત ફર્યા ત્યારે મકાનમાં ચોરી થયાનું સામે આવ્યું હતું.
આ પ્રકારની ફરિયાદ નોંધાતાં જ ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી ભાવનગરના રેલવે સ્ટેશન રોડ પર શેલાર પીરની દરગાહ પાસે રહેતા ઈરફાન ઉર્ફે ભુરો ઈકબાલભાઈ સમા (ઉ.વ.40)ને ચોરીના તમામ ઘરેણા તેમજ 2.35 લાખની રોકડ સહિતના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો.
ઈરફાનની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતાં તેણે કબૂલાત આપી હતી કે તે ખાસ ચોરી કરવા માટે જ ભાવનગરથી સ્કૂટર લઈને રાજકોટ આવ્યો હતો. ફરતા-ફરતા તે ભક્તિનગર સોસાયટીમાં પહોંચ્યો હતો અને ત્યાં ત્રણથી ચાર મકાન કે જે વૈભવી લાગી રહ્યા હતા ત્યાં રેકી કરી હતી. અન્ય ત્રણ મકાનના તાળાં ખુલ્લા જણાતાં ત્યાં ચોરી કરવાનું ટાળ્યું હતું અને તેની નજર `અલભ્ય’ મકાન ઉપર પડી હતી જ્યાં તાળું લાગેલું જોતાં જ અંદર ત્રાટક્યો હતો અને અલગ-અલગ રૂમમાં ઘૂસણખોરી કરી સોનાના ઘરેણાનો જથ્થો ચોરીને રવાના થઈ ગયો હતો.
ત્રણથી ચાર લાખ મળશે તેવી આશાએ આવ્યો’તો અને મળ્યો લાખેણો દલ્લો
તપાસમાં ખુલ્યા પ્રમાણે ઈરફાન કશું કામધંધો કરતો નથી પરંતુ તેના શોખ બહુ ઉંચા હોવાથી ખર્ચને પહોંચી વળવા માટે તે ચોરીના રવાડે ચડી ગયો હતો. આ જ ગણતરીએ તે રાજકોટ આવ્યો હતો. અહીં તેને એવી અપેક્ષા હતી કે ઉપરોક્ત મકાનમાંથી ત્રણથી ચાર લાખ રૂપિયા મળશે એટલે તેના બે-ત્રણ મહિના ટૂંકા થઈ જશે પરંતુ એક સાથે 40 લાખથી વધુનો દલ્લો મળી જતા ખુશીનો પાર રહ્યો ન્હોતો. જો કે હાલ બજારમાં રજાનો માહોલ હોવાથી તેણે ઘરેણા સાચવી રાખ્યા હતા અને જેવી આજે સોમવારે બજાર ખુલે એટલે વેચી નાખવાનો હતો પરંતુ તે પહેલાં જ પોલીસ પહોંચી ગઈ હતી.
તહેવારમાં ક્રાઈમ બ્રાન્ચે ફંફોસી નાખ્યા 1500 સીસીટીવી ફૂટેજ
ચોરીનો બનાવ નોંધાતા જ ક્રાઈમ બ્રાન્ચની તમામ ટીમને ભેદ ઉકેલવા માટે કામે લગાડી દેવામાં આવી હતી. એકંદરે રજા દરમિયાન કામગીરી `હળવી’ રહેશે તેવી ગણતરીએ બેઠેલી ટીમે રજાના દિવસો દરમિયાન 1000થી 1500 સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા અને આખરે તસ્કર સુધી પહોંચવામાં સફળતા સાંપડી હતી.
