અમદાવાદ રિવરફ્રન્ટમાં એક જ દિવસમાં 4 મૃતદેહ મળતા ચકચાર
ચારમાંથી 3 પુરુષ જ્યારે એક મહિલાની લાશ મળી: બે મૃતદેહની ઓળખ થઈ: પોલીસ તંત્ર દોડતું થયું
અમદાવાદમાં એક જ દિવસમાં ચાર લોકોના મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો હતો. રિવરફ્રન્ટમાં આત્મહત્યાના બનતા બનાવો વચ્ચે ફરી એક વખત સાબરમતી નદીમાંથી ચાર-ચાર મૃતદેહ મળ્યા છે. જેમાં 3 પુરુષ અને 1 મહિલાનો મૃતદેહ છે.
અમદાવાદમાં એક જ દિવસમાં 4-4 લોકોની લાશ મળતા ચકચાર મચી ગઈ હતી તો બીજી બાજુ પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદમાં એલિસબ્રિજથી આંબેડકર બ્રિજ સુધીના વિસ્તારમાં સાબરમતી નદીમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા હતા. જો કે આ અંગે હજુ સુધી કોઈ કારણ સામે આવ્યું નથી. તમામ મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે રિવરફ્રન્ટ પોલીસ મૃતદેહની ઓળખ માટે તજવીજ હાથ ધરી હતી. જેમાં આંબેડકર બ્રિજ પાસેથી સાબરમતી નદીમાંથી મળી આવેલા મૃતદેહમાં એક મૃતદેહ 32 વર્ષના કિશન પરમારનો છે. જ્યારે જમાલપુર નજીકથી 25 વર્ષના સંજય પરમારનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે અન્ય બે મૃતદેહમાં એક પુરુષ અને મહિલાની ઓળખ થઈ નથી. આ ચાર લોકોએ આત્મહત્યા કરી છે કે તેમની હત્યા કરવામાં આવી છે તે અંગે કોઈ પુરાવા મળ્યા નથી જ્યારે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.