ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા : 73.73 લાખ નામ રદ, રાજકોટમાં 5.61 લાખ મતદાર ઉપર લટકતી તલવાર
રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત દોઢ માસ સુધી હાથ ધરવામાં આવેલી ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ આજ રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. ગુજરાતમાં પહેલા 5.8 કરોડ મતદાતા હતા પરંતુ સુધારા પ્રક્રિયા પછી 4.34 કરોડ મતદાતા રહ્યા છે. આ હિસ્વાબે 73.73 લાખ મતદારોના નામ કમી થઇ ગયા છે. હવે તા.18મી જાન્યુઆરી,2026 સુધીમાં બાકી રહી ગયેલા મતદારો પોતાના નામ રજુ કરી શકશે.
મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાએ જણાવ્યું કે, બીએલઓ દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા તથા બે જગ્યાએ મતદાર તરીકે નોધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યાં હતાં.મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયા પહેલા રાજ્યમાં કુલ 5,08,43,436 મતદાર નોંધાયેલા હતા.મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયાં બાદ કુલ મતદારોની સંખ્યા 4,34,70,109 રહેવા પામી છે. એટલે કે, SIRની ઝંબેશ દરમિયાન કુલ 73,73,327 મતદારોના નામ મુસદ્દા મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જેમાં અવસાન પામેલા મતદારો-18,07,278, ગેરહાજર મતદારો- 9,69,662, કાયમી ધોરણે સ્થળાંતર કરી ચૂકેલા મતદારો- 40,25,553, બે જગ્યાએ નોંધાયેલા મતદારો-3,81,470 હતા.અન્ય-1,89,364 હતા.
સતત દોઢ માસ ચાલેલી કવાયત બાદ તા.1-1-2026ની લાયકાતની તારીખના આધારે આજરોજ મુસદ્દા મતદાર યાદી તમામ મતદાન કેન્દ્રો સહિત દરેક નિર્ધારીત સ્થળોએ પ્રસિધ્ધ કરવામાં આવી છે.મુસદ્દા મતદાર યાદી મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ http://ceo.gujarat.gov.in ઉપર પણ પ્રસિધ્ધ કરવામાં આવી છે.જેની ઉપર મતદારો પોતાની વિગતો ચકાસી શકે છે.
આજથી 18 જાન્યુઆરી સુધી મતદાર યાદીમાં નામ ઉમેરવાનું ફોર્મ ભરવા તેમજ વાંધા અરજી કરી શકાશેઃ રાજકોટ જિલ્લા કલેક્ટર
ગુજરાત સહિત 12 રાજ્યમાં 4 નવેમ્બરથી 14 ડિસેમ્બર દરમિયાન સ્પેશ્યલ ઈન્સેન્ટીવ રિવિઝન (એસઆઈઆર) મતલબ કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ શુક્રવારે જિલ્લા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશ દ્વારા પત્રકાર પરિષદને સંબોધન કરીને તેમાં આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી હતી. જાહેર થયેલા આંકડા જોવા જઈએ તો ફાઈનલ મતદાર યાદી જાહેર થાય તે પહેલાં આઠેય વિધાનસભાના મળી કુલ 5.61 મતદારો ઉપર લટકતી તલવાર એટલે કે યાદીમાંથી નામ કમી થવાની શક્યતા જોવા મળી રહી છે. જિલ્લા કલેક્ટરે વિગતો આપતા જણાવ્યું કે આઠ વિધાનસભામાં કુલ 23,91,027 મતદાર નોંધાયેલા છે. એસ.આઈ.આર. પ્રક્રિયા દરમિયાન કુલ મતદારમાંથી 2,25,512 મતદારો એવા જોવા મળ્યા છે જેમનું મેપિંગ એટલે કે ફોર્મ ભરી સબમીટ કરવામાં આવ્યું નથી.
આ ઉપરાંત 89553 મતદારો મૃત્યુ પામ્યા હોવાથી તેમના નામ કમી કરાયા છે. જ્યારે 58942 મતદાર સ્થળ ઉપર હાજર મળી આવ્યા નથી તો 1,69,035 સ્થળાંતર કરી ગયા હોવાનું, 10736 મતદારો ડુપ્લીકેટ હોવાનું તો 7304 `અન્ય’ મતદારો જેમાં બીએલઓ દ્વારા ઘેર ગયા બાદ સરખો જવાબ ન આપવો, ફોર્મ ફાડી નાખવા સહિતના મળ્યા છે. આ પ્રમાણે કુલ 5,61,082 મતદારોનું નામ કમી થવાની શક્યતા રહેલી છે.
જો કે તેમણે એમ પણ જણાવ્યું કે 2,25,512 મતદારો કે જેમણે મેપિંગ નથી કરાવ્યું તેઓ 18 જાન્યુઆરી સુધીમાં મેપિંગ કરાવવા માટેની અરજી કરી શકશે સાથે સાથે અન્ય મતદારો પણ વાંધા અરજી કરી શકશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 17 ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવશે.
ડ્રાફ્ટ મતદાર યાદી ક્યાં જોઇ શકાશે
- ચૂંટણી પંચની વેબસાઈટ સીઈઓ ગુજરાત
- કલેક્ટર કચેરી
- મતદાર નોંધણી અધિકારીની કચેરી
- મદદનીશ નોંધણી અધિકારી
- નિયુક્ત મતદાન મથક
- મામલતદાર કચેરી
મેપિંગ ન કરાવનારા 2.25 લાખ લોકોને બીએલઓ દ્વારા અપાશે નોટિસ
કલેક્ટર દ્વારા એમ પણ જણાવાયું કે 2,25,512 મતદારો કે જેમણે મેપિંગ નથી કરાવ્યું તેમને BLOદ્વારા નોટિસ આપવામાં આવશે સાથે સાથે જવાબ પણ મેળવવામાં આવશે. આ પ્રક્રિયા 18 જાન્યુઆરી સુધી ચાલશે.
આ પણ વાંચો :સુરેન્દ્રનગરમાં જિલ્લા હોમગાર્ડઝ કચેરીનો હેડ ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો : ACBની સફળ ટ્રેપ,₹3,000 માંગનાર હેડ ક્લાર્કને રંગેહાથ ઝડપ્યો
મતદાર યાદીમાં નામ ઉમેરવા ફોર્મ નં.6, સ્થળાંતર અથવા સુધારા માટે ફોર્મ નં.8 ભરવાનું રહેશે
મતદાર યાદીમાં કોઈ મતદાર નામ ઉમેરવા માંગે તો તેણે જન્મ તારીખ, રહેઠાણનો પૂરાવો, પાસપોર્ટ સાઈઝનો ફોટો, પરિવારના કોઈ સભ્યની અથવા પાડોશમાં રહેતા કોઈ વ્યક્તિના ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે. જ્યારે સ્થળાંતર અથવા સુધારા માટે ફોર્મ નં.8 ભરી તેમાં જૂના એપિક કાર્ડની ઝેરોક્ષ, રહેઠાણનો પૂરાવો, કુટુંબના એક સભ્યની અથવા પાડોશમાં રહેતા કોઈ એક વ્યક્તિના ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે. જો સુધારો કરવાનો હોય તો સુધારા પ્રમાણેનો આધાર પૂરાવો આપવો પડશે.
નો-મેપિંગ થયેલા મતદારોએ શું પૂરાવા આપવા પડશે
1-7-1987 પહેલાં જન્મેલાએ પોતાના પૂરાવા આપવાના રહેશે
1-7-1989થી 2-12-2004 વચ્ચે જન્મેલાએ પિતા અથવા માતાના પૂરાવા આપવાના રહેશે
2-12-2004 પછી જન્મેલાએ પોતાના, પિતાના અને માતાના એમ ત્રણેયના પૂરાવા આપવાના રહેશે
