ફટાફટ લોન કરી આપતી મોબાઈલ એપ્લીકેશન અત્યારે હજારોની સંખ્યામાં ઉપલબ્ધ છે જેના થકી લોકો લોન લઈ રહ્યા છે. આમ તો આ પ્રકારની એપ મારફતે લોન લેવી ક્યારેય સસ્તી પડતી જ નથી અને છેલ્લે તો લૂંટાવાનો જ વખત આવે છે આમ છતાં મજબૂરીવશ લોકો આ પ્રકારે લોન લેવાનો રસ્તો અખત્યાર કરતા હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક યુવકને પંકાઈ ગયેલા ચીટરે મોબાઈલ મારફતે લોન કરાવી આપી હતી. જો કે યુવકે ૩૫૪૦ રૂપિયા બચાવવાના ચક્કરમાં એક લાખ ગુમાવી દેતાં આખરે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આયુષ વલ્લભભાઈ દેસાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત તા.૧૬ના સવારે ૧૧ વાગ્યે રાજકોટના સંતકબીર રોડ પર આવેલી મોટા બાપુની દુકાને હતો ત્યારે મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી ત્યાં આવ્યો હતો અને પોતે બજાજ ફાયનાન્સના લોન વિભાગમાં આવે છે તેમ કહીને ૨૪ કલાકમાં એક લાખ રૂપિયાની લોન કરાવી આપવાની વાત કરી હતી. આયુષને પૈસાની જરૂર હોય તેણે મોબાઈલમાં રહેલા આધાર, પાનકાર્ડ તેમજ બેન્કના ફોટો મહાવીરસિંહને આપ્યા હતા. આ પછી મહાવીરસિંહે આયુષના મોબાઈલમાં `રિંગ’ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી એક લાખ રૂપિયાની લોન પાસ કરાવી હતી. જો કે એક લાખની જગ્યાએ આયુષના ખાતામાં ૯૬૪૬૦ જમા થયા હતા.
આ પછી મહાવીરસિંહે કહ્યું હતું કે જો આ ૯૬૪૬૦ રૂપિયા તેના ખાતામાં જમા કરાવશે તો પ્રોસેસિંગ ચાર્જ નહીં લાગે અને પૂરા એક લાખ રૂપિયા મળશે જેથી આયુષે તમામ રકમ મહાવીરસિંહને ટ્રાન્સફર આપી દીધી હતી. આ પછી ઘણા દિવસો વીતી જવા છતાં મહાવીરસિંહે લોનના એક લાખ રૂપિયા પરત નહીં આપતાં આયુષે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે મહાવીરસિંહ સામે અગાઉ પણ આ પ્રકારે છેતરપિંડી આચર્યાનો ગુનો નોંધાયેલો છે.