રેવ પાર્ટી માટે ડ્રગ્સ લાવતી યુગાન્ડાની મહિલા સહિત 3ની ધરપકડ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે યુગાન્ડાની મહિલા સહિત 3 લોકોની કોકેઇન સાથે ધરપકડ કરી છે. મહિલા પેડલર મુંબઈથી ડ્રગ લઈને આવી હતી અને 8 વાર આવી રીતે ડ્રગ સપ્લાય કરી ચૂકી છે. રેવ પાર્ટી માટે ડ્રગ અમદાવાદમાં દર મહિને 1-2 વાર આવતું હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે યુગાન્ડાની અસીમુલ રિયેલ નામની મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા 10 હજાર રૂપિયા માટે મુંબઈથી ફ્લાઇટ, ટ્રેન અથવા બસમાં અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાય કરતી હતી. આરોપી શાલિન શાહ અને આદિત્ય પટેલ આ ડ્રગની ડિલિવરી લેતા હતા. બંને વેપારી હોવાનું સામે આવ્યું છે.
આરોપી મહિલા મેડિકલ વિઝા પર ભારત આવી હતી, પરંતુ તેના વિઝા પૂરા થઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે, આદિત્ય સિલ્વેસ્ટર નામના વ્યક્તિના છેલ્લા 4 વર્ષથી સંપર્કમાં હતો અને જેને તે ડ્રગનો ઓર્ડર આપતો હતો. સિલ્વેસ્ટર પોતાના વ્યક્તિ લિવિગસ્ટોને કહી મહિલા આરોપી સુધી ડ્રગ મોકલતો હતો. આદિત્ય આ ડ્રગ મંગાવીને મહિનામાં 1-2 વાર અમદાવાદ અથવા નજીકના જિલ્લામાં રેવ પાર્ટીનું આયોજન કરતો હતો અને જેમાં મિત્રોને બોલાવી 25 હજાર જેટલી રકમ વસૂલ કરતો હતો.
મહત્વનું છે કે, છેલ્લા 4 વર્ષથી આવી રીતે પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સવાલ એ થાય છે કે, આ લોકો અન્ય કોઈ પાસેથી ડ્રગ મંગાવતા હતા કે કેમ? આટલા સમયથી રેવ પાર્ટી થઈ રહી હતી તો પોલીસના ધ્યાને કેમ આવ્યું નહિ? પોલીસ હવે ડ્રગના મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરી રહી છે. ત્યારે મુખ્ય આરોપીની ધરપકડ બાદ અન્ય મોટા ખુલાસા સામે આવી શકે તેમ લાગી રહ્યું છે અને ડ્રગ કઈ રીતે ભારતમાં આવ્યું તેનો પણ ખુલાસો થશે.