રાજકોટમાં આ વર્ષે 261 ગણેશોત્સવને મંજૂરી : દરેક પંડાલમાં CCTV રાખવા ફરજિયાત, આટલી જગ્યાએ કરી શકાશે વિસર્જન
આજથી રાજકોટ સહિત દેશભરમાં ધૂમધામપૂર્વક દૂંદાળા દેવનું આગમન થવા જઈ રહ્યું છે ત્યારે સૌના પ્રિય ભગવાનનું ‘ગ્રાન્ડ વેલકમ’ કરવા માટે ભાવિકો અધીરા બન્યા છે. રાજકોટની વાત કરવામાં આવે તો આ વર્ષે શહેરમાં 261 સ્થળે ગણેશોત્સવને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
બીજી બાજુ અમુક આયોજન સંવેદનશીલ વિસ્તારમાં પણ થયા હોય ત્યાં કોઈ પ્રકારનો કાંકરીચાળો અને તેમાં પણ ખાસ કરીને વડોદરામાં જે પ્રકારે ગણેશજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવાની ઘટના બની હતી તેવી ઘટના રાજકોટમાં ન બને તે માટે પોલીસને અત્યારથી જ સાવધ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત ટૂંક સમયમાં જ સંવેદનશીલ વિસ્તારમાં થયેલા આયોજનને અલગ તારવી ત્યાં વધારાનો બંદોબસ્ત ફાળવાશે. આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે ગત વર્ષે પણ શહેરમાં 261 જેટલા ગણેશોત્સવના આયોજન થયા હતા તેટલી સંખ્યામાં જ આ વર્ષે પણ આયોજન થવા પામ્યા છે મતલબ કે આ વર્ષે ગણેશોત્સવના આયોજનમાં કોઈ પ્રકારનો વધારો પોલીસ ચોપડે નોંધાયો નથી.
બીજી બાજુ પોલીસ કમિશનર દ્વારા થોડા સમય પહેલાં જ ગણેશોત્સવને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં 9 ફૂટથી ઉંચી મૂર્તિ સ્થાપિત ન કરવા, ગણેશોત્સવના પંડાલમાં સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટીના સાધનો મુકવા સહિતના નિયમો સમાવિષ્ટ કરાયા હતા ત્યારે આ નિયમોનું ચુસ્ત પાલન થઈ રહ્યું છે કે નહીં, ગણેશોત્સવ આસપાસ કોઈ પ્રકારની ટ્રાફિક અવ્યવસ્થા ન સર્જાય તે સહિતની બાબતે ચીવટતા રાખવા સ્થાનિક પોલીસને આદેશ આપવામાં આવ્યો હતો.
આટલી જગ્યાએ ગણેશ વિસર્જન કરી શકાશે
» આજી ડેમ ઓવરફ્લો નીચે ચેક ડેમ પાસે ખાણ નં. 1
» આજી ડેમ ઓવરફલો નીચે ચેક ડેમ પાસે ખાણ નં.2
>> આજી ડેમ ઓવરફ્લો ચેક ડેમ
>> પાળ ગામ, જખરાપીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ
>> ન્યારાના પાટિયા પાસે ન્યારા રોડ, ખાણમાં જામનગર રોડ
>> બાલાજી વેફર્સની સામે, વાગુદળ પાટિયા પછીના પુલ નીચે કાલાવડ રોડ
ગણેશોત્સવને માત્ર ભક્તિનો જ નહીં, જવાબદારીનો ઉત્સવ બનાવો: મનપા
મહાપાલિકા દ્વારા ગણેશ મહોત્સવના આયોજકોને સ્વચ્છતાથી નીમ અપનાવવાનો અનુરોધ કરતા જણાવાયું હતું કે ગણેશોત્સવને માત્ર ભક્તિનો જ નહીં પરંતુ જવાબદારીનો ઉત્સવ પણ બનાવવો જોઈએ. તંત્ર દ્વારા શહેરના દરેક ગણેશ પંડાલને ઈકો ફ્રેન્ડલી પ્રતિમાઓનો ઉપયોગ કરવા, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા, ગણેશ પંડાલના ડેકોરેશનમાં પ્લાસ્ટિકનો અને થર્મોકોલનો ઉપયોગ ન કરવા સહિતની બાબતોનું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી હતી. આયજકો પોતાનો ગણેશ પંડાલ કેવો સ્વચ્છ છે તેની તસવીરો પણ સોશ્યલ મીડિયા ઉપર શેયર કરે તે હિતાવહ છે.
