250 કરોડના માલિક છે જામનગરના નવા ‘જામસાહેબ’ અજયસિંહ જાડેજા
- પિતા દૌલતસિંહ જાડેજા ત્રણ વખત જામનગરના સાંસદ રહી ચૂક્યા છે: જાડેજા પાસે એક-એકથી ચડિયાતી મોંઘેરી કારનું કલેક્શન
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અજય જાડેજા હવે જામનગરના `જામસાહેબ’ તરીકે ઓળખાશે. જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ અજય જાડેજાને પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા હતા. અજય જાડેજા જામનગરના રાજવી પરિવારમાંથી જ આવે છે. અજયસિંહ જાડેજાનું ટીમ ઈન્ડિયા માટે કરિયર શાનદાર રહ્યું હતું. જો કે ફિક્સિંગકાંડ બાદ તેઓ મેદાન પર ભારત વતી ઉતરી શક્યા ન્હોતા. કોર્ટ તરફથી તેમને આ મામલામાં ક્લિનચીટ પણ મળી ગઈ હતી પરંતુ કરિયરમાં એક ડાઘ જરૂર લાગ્યો હતો. અજયસિંહ જાડેજાના પિતા દોલતસિંહજી જાડેજા શાહી પરિવારમાંથી આવે છે અને તેઓ જામનગરથી ત્રણ વખત સાંસદ પણ રહ્યા હતા. આ જ કારણ છે કે અજયસિંહ જાડેજાને વારસામાં અખૂટ સંપત્તિ પ્રાપ્ત થઈ છે.
અજયસિંહ જાડેજાનું પાલન-પોષણ એક મોટા પરિવારમાં થયું હતું. એક અંદાજ પ્રમાણે જાડેજા પાસે ૨૫૦ કરોડથી પણ વધુની સંપત્તિ છે. જાડેજાની કમાણીનો મુખ્ય સ્ત્રોત કોમેન્ટરી છે. આ ઉપરાંત તેમની પાસે રાજમહેલ જેવું ઘર છે અને તેઓ અનેક લકઝરી ગાડીના માલિક છે. જાડેજાએ વર્ષ ૨૦૨૦માં કિયા કાર્નિવલ ખરીદી હતી જેની કિંમત ૬૫ લાખ રૂપિયા છે. આ ઉપરાંત જાડેજાને વિન્ટેજ કાર પણ એટલી જ પસંદ છે. તેમણે માત્ર ૧૬ વર્ષન ઉંમરે પહેલી કાર એમ્બેસેડર ખરીદી હતી.
જ્યારે તેમના કરિયરની વાત કરવામાં આવે તો અજય જાડેજાએ ભારત માટે ૧૫ ટેસ્ટ અને ૧૯૬ વન-ડે મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં જાડેજાએ ટીમ ઈન્ડિયા માટે ૫૭૬ રન બનાવ્યા છે તો વન-ડેમાં તેમના નામે ૫૩૫૯ રન છે જેમાં છ સદી અને ૩૦ ફિફટી સામેલ છે.