ડંકી માર્ગે ગેરકાયદે અમેરિકા જવાની લ્હાયમાં 170 ગુજરાતી સહિત 230 ભારતીયો યુએઈમાં અટવાઈ પડયા
વધુ એક વખત ડંકી માર્ગે ગેરકાયદે અમેરિકા જવાની લ્હાયમાં 170 ગુજરાતી સહિત 230 ભારતીય નાગરિકો છેતરપિંડી નો ભોગ બન્યા છે. બ્રાઝિલ થઈને અમેરિકા જવા ઈચ્છતા આ બધા ભારતીયો હાલમાં યુએઈના શારજાહમાં અટવાઈ ગયા છે. આ ઘટના હ્યુમન ટ્રાફિકની હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગેરકાયદે ઇમિગ્રન્ટ એજન્ટોએઆ બધા મુસાફરોને દુબઈથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા બ્રાઝિલ અને ત્યાંથી બાય રોડ મેક્સિકો થઈ અમેરિકા પહોંચાડવાનું વચન આપ્યું હતું. ચાર્ટર્ડ પ્લેન માટેત્રણ કરોડ રૂપિયા એડવાન્સમાં વસૂલવામાં આવ્યા હતા. દુબઈ થી આ વિમાન મૂળભૂત રીતે 11મી ડિસેમ્બરે બ્રાઝિલ જવા રવાના થવાનું હતું પરંતુ યુએસ મેક્સિકો પર સરહદ પરની પરિસ્થિતિને નિહાળી એ ઉડાન મોકૂફ રાખી, 20 મી ડિસેમ્બરની નવી તારીખ જાહેર કરવામાં આવી હતી.
જોકે એજન્ટોએ આ મુસાફરોને ફ્લાઇટ રૂટ અંગે કોઈ માહિતી ન આપતા અનેક શંકા કુશંકાઓ જાગી છે. યુએઈમાં અટવાઈ ગયેલા મુસાફરોમાં કેટલાક આખા પરિવાર હોવાનું જાણવા મળ્યું છે. આ ષડયંત્રમાં કડી, કલોલ અને અમદાવાદના ગેરકાયદે ઇમિગ્રેશન એજન્ટોની સંડોવણી જણાઈ રહી છે.
સમીર ,ધવલ અને હસમુખ નામના ત્રણ એજન્ટ ના નામ સપાટી પર આવ્યા છે. તેમાંથી હસમુખ દુબઈમાં ફાઇનાન્સનો કારોબાર ચલાવે છે. એ ઉપરાંત પાજી, ઠાકોર સાહેબ અને દુબઈ સ્થિત એજન્ટ આરકે નામનાએજન્ટોની સંડોવણી ખુલ્લી છે. દિલ્હી અને પંજાબના 60 મુસાફરો હાલમાં શારજાહની દાના હોટલમાં હોવાનું જાણવા મળ્યું છે. 11 મી તારીખની મૂળભૂત ફ્લાઇટ કેન્સલ થયા બાદ જોકે આ એજન્ટોએ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલા આ બધા મુસાફરોને ગમે તેમ કરીને અમેરિકા પહોંચતા કરી દેવાની મધલાળ આપી છે.બીજી તરફ એજન્ટો 20મી તારીખે ફલાઈટ દ્વારા બધા મુસાફરોને બ્રાઝિલ પહોંચાડે તો પણ અમેરિકામાં ગેરકાયદે પ્રવાસીઓ સામેની ઝુંબેશને કારણે આ બધાને અમેરિકામાં પ્રવેશ મળશે કે કેમ તે અંગે સવાલો ઉઠ્યા છે. નોંધનીય છે કે આ અગાઉ 26 ડિસેમ્બર 2023 ના રોજ ગુજરાત અને ઉત્તર ભારતના મુસાફરો સાથેના વિમાનને હ્યુમન ટ્રાફિકિંગની આશંકા સાથે ફ્રાન્સના વેટરી હવાઈ મથક પર રોકવામાં આવ્યું હતું અને બાદમાં એ વિમાનને મુંબઈ પરત મોકલી દેવાયું હતું.