હાલ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ગુજરાતમાં આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન થવા જી રહ્યું છે. હાલ મતદાનની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ માહોલ વચ્ચે અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. દિલ્હી બાદ અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હડકંપ મચી ગયો છે ત્યારે આ મામલે તંત્ર દોડતું થયું છે અને સઘન તપાસ શરુ કરવામાં આવી છે.
દિલ્હીની ઘટનાનું ગુજરાતમાં પુનરાવર્તન થયું છે તાજેતરમાં જ દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાડી દેવાની ધમકી અપાયા બાદ હવે અમદાવાદની પણ કેટલીક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાવી નાખવાની ધમકીથી હડકંપની મચી ગયો છે. ધમકીની જાણ થતાં જ પોલીસ તંત્ર અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ દોડતું થયું હતું અને તપાસ હાથ ધરી હતી.
અમદાવાદની 23 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક સ્કૂલોને ઇ-મેઈલ દ્વારા ધમકી મળી છે. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી છે. ઘટનાને પગલે અમદાવાદનું પોલીસતંત્ર સાબદું થયું છે. મતદાનના આગલા દિવસે જ અમદાવાદની 23 સ્કૂલને ધમકીભર્યો ઇ-મેઈલ મળતા તંત્ર કામે લાગી ગયું છે.
અમદાવાદ અને દિલ્હીમાં મળેલા ઇ-મેઈલ રશિયન ડોમેઈનમાંથી થયા છે, માત્ર ઇ-મેઈલ આઈડી અલગ હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં જ દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અફવા સાબિત થઇ હતી. ત્યારે આ મામલે ગંભીરતાથી તપાસ કરવમાં આવી રહી છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈએ આ બાબતે ગભરાવવાની જરુર નથી તેમજ સોશિયલ મીડિયા પર આવી કોઈ પણ પ્રકારની અફવાઓ કે ખોટા મેસેજોથી દુર રહેવું, શાંતી રાખવી અને સાવધાન રહેવું.