અમદાવાદમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ : આવતીકાલે રાજ્યના 10 જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
સમગ્ર રાજ્યમાં રવિવારથી ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં માવઠાએ મુસીબત નોતરી હોય તેવું લાગી રહ્યું છે. ભારે વરસાદના કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે તો લોકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે આજે અમદાવાદમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડતાં રસ્તા પણ વરસાદી પાણી વહ્યા હતા.
ભર ઉનાળે જાણે ચોમાસું બેઠું હોય તેવી સ્થિતિ હાલ ગુજરાતમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યમાં આજે બુધવારે (7 મે, 2025) સવારે 10થી બપોરના 12 વાગ્યામાં અમદાવાદના બાવળામાં સૌથી વધુ 2.24 ઈંચ વરસાદ અને છેલ્લા 6 કલાકમાં ખંભાતમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ત્યારે આવતીકાલે એટલે કે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના 95 તાલુકામાં કમોસમી વરસાદ
હવામાન વિભાગના આંકડા મુજબ સવારે 10થી બપોરના 12 વાગ્યા એટલે માત્ર બે કલાકની અંદરમાં રાજ્યના 95 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ અમદાવાદના બાવળામાં 2.24 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે આણંદના ખંભાતમાં 1.38 ઈંચ, સુરેન્દ્રનગરના લિંબડીમાં 1.10 ઈંચ, અમદાવાદના ધોળકામાં 1.06 ઈંચ, ખેડાના ધસરામાં 1.02 ઈંચ કમોસમી વરસાદ પડ્યો હતો.
આવતીકાલે આ 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી
ભરઉનાળે મેઘરાજા વરસી રહ્યા છે. છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદની લીધે ખેડૂતના પાકને પણ નુકસાન થયું છે ત્યારે હવામાન વિભાગ હજુ માવઠાની આગાહી કરી છે. જેમાં આવતીકાલે ગુરુવારે (8 મે, 2025) 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી છે, ત્યારે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, વલસાડ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં 50-60 કિ.મી.ની સ્પિડે ભારે પવન ફૂંકાવવાની આગાહી છે.