સમર શેડ્યુલમાં 14 ફલાઇટ મળી: વહેલી સવારની દિલ્હીની ફલાઇટ ઉડાન નહિ ભરે
દિલ્હી ટર્મિનલમાં કામ ચાલતું હોવાથી સવારની ફલાઇટ ટેકઓફ થશે નહીં:પુનાની 2,દિલ્હીની 2,મુંબઈની 5,ગોવા,બેંગ્લોર, હૈદરાબાદ,સુરતની 1 ફલાઇટ
રાજકોટ એરપોર્ટના સમર શેડ્યુલમાં વધુ બે નવી ફ્લાઈટનો ઉમેરો થયો છે, ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા પુનાની એક નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટાર એરલાઇન્સ દ્વારા વિન્ટર શિડ્યુલની જેમ સમરમાં પણ રાજકોટ અમદાવાદ વડોદરાની ફ્લાઈટ માટે સવારનો સ્લોટ બુક રખાયો છે.જો કે આ એરલાઇન્સ દ્વારા હજુ સુધી તેની ફલાઇટ શરૂ કરાઇ નથી.
ઈન્ડિગો એરલાઇનએ વહેલી સવાર માટે દિલ્હીની ફ્લાઈટ શરૂ કરવા માટે પ્રપોઝલ મૂકી હતી પરંતુ દિલ્હી ટર્મિનલ એક પર કામ ચાલુ હોવાના લીધે હજુ સુધી આ સવારની ફલાઇટ માટે ગ્રીન સિગ્નલ મળ્યું નથી.વિન્ટર શેડ્યુલની જેવું જ સમર શેડ્યુલ છે.પુનાની ફલાઈટ સિવાય કોઈ નવી ફલાઇટ રાજકોટવાસીઓ મળી નથી અને હજુ દૂર દૂર સુધી પણ ઇન્ટરનેશનલ ફલાઇટ શરૂ થાય તેવા નિર્દેશ જોવા મળતો નથી.માત્ર હવાઈસેવાનાં સમયમાં થોડો ફેરફાર થયો છે.
બોક્સ…1 6 મહિનાથી સ્લોટ લઈ લીધો પણ રાજકોટ-વડોદરા-અમદાવાદની ફલાઇટનાં ઠેકાણાં નથી
રાજકોટ થી અમદાવાદ અને વડોદરા માટેની આંતર જિલ્લા હવાઈ સેવા શરૂ કરવાની જાહેરાત મોટા ઉપાડે સ્ટાર એર લાઇન દ્વારા ગત વર્ષથી કરી દેવામાં આવી હતી. જેના કારણે વિન્ટર શેડ્યુલમાં પણ એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ એરલાઇન્સને રાજકોટ અમદાવાદ અને વડોદરા માટેની હવાઈ સેવા માટે સમય આપવામાં આવ્યો છે. સવારે 8 વાગ્યાનો સ્લોટ લઈને આ એરલાઇન બેસી ગયું છે પણ 6 મહિના બાદ પણ હવાઈ સેવાનું ઠેકાણું નથી.સૂત્રોએ જણાવ્યુ હતું કે,ઓથોરિટી દ્વારા આ એરલાઇન કંપની સામે રિપોર્ટ કરી ઉચ્ચ કક્ષાએ સોંપવામાં આવશે.