રાજ્યના 14.26 લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા: આ વખતે 1.13 લાખ વિદ્યાર્થીઓ ઘટ્યા
ધોરણ 10માં ચાલુ વર્ષે 27000, ધોરણ 12 સાયન્સમાં 21000 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ગત વરસની તુલનામાં 64000 વિદ્યાર્થીઓ ઘટયા:27 ફેબ્રુઆરી થી શરૂ થશે પરીક્ષા
આગામી ફેબ્રુઆરી મહિનામાં લેવાનારી બોર્ડની પરીક્ષામાં આ વર્ષે વિદ્યાર્થીઓનો ધરખમ ઘટાડો નોંધાયો છે,આ વખતે ગુજરાતમાંથી 14.26 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તેમાં ગયા વર્ષની સરખામણીમાં આ વખતે 1.13 લાખ વિદ્યાર્થીઓનો ઘટાડો થયો હોવાનું જાણવા મળેલ છે.
ધોરણ 10 માં 8.90 લાખ અને ધોરણ 12 સાયન્સમાં 1.11 લાખ અને સામાન્ય પ્રવાહમાં 4.25 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા શરૂ થશે આ પરીક્ષા માટે હાલમાં ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી તાજેતરમાં પૂરી થઈ હતી. બોર્ડ દ્વારા પરીક્ષા માટેના ફોર્મ રેગ્યુલર ફી સાથે સ્વીકારવાની મુદત પૂર્ણ થયા બાદ લેટથી સાથે ત્રણ તબક્કામાં ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા.
આ વખતે બોર્ડની પરીક્ષામાં 1.13 લાખ વિદ્યાર્થીઓનો ઘટાડો સામે આવ્યો છે,જેમાં ધોરણ 10 માં ગત વર્ષે નોંધાયેલા વિદ્યાર્થીઓની સરખામણીમાં ચાલુ વર્ષે 27000 જેટલા ઓછા વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સાયન્સમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ કરતા 21000 ઓછા વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ગત વરસની તુલનામાં 64000 વિદ્યાર્થીઓ ઘટયા છે.
રિપીટરોની સંખ્યા ઘટી હોવાથી પરીક્ષાર્થીઓ ઘટ્યા
આ વર્ષે બોર્ડની પરીક્ષામાં 1.13 લાખ વિદ્યાર્થીઓનો ઘટાડો નોંધાયો છે જેની પાછળનું કારણ દર્શાવતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીએ કહ્યું હતું કે, આ વર્ષે રીપીટર વિદ્યાર્થીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થયો છે. દર વર્ષે નિયમિત વિદ્યાર્થીઓની સાથે રીપીટર વિદ્યાર્થીઓ પણ આશરે એકાદ લાખ જેવી સંખ્યા થતી હતી. જેમાં રીપીટર વિદ્યાર્થીઓની સંખ્યા કરતા આ વર્ષે બોર્ડમાં પરીક્ષા તેઓની સંખ્યા ગત વર્ષ કરતાં ઓછી નોંધાય હોવાનું તારણ કાઢ્યું હતું.