112 પોલીસ વાનના પગ બંધાયેલા :ચિઠ્ઠીના ચાકર જેવું કરે કામ? PCR બંધ થતાં પેટ્રોલિંગ ઘટ્યું, અન્ય પ્રબંધ કરવો જરૂરી!
રાજ્યભરમાં 100, 101, 108ની કોમ્બો સિસ્ટમ 112નો આરંભ તો થઈ ચૂક્યો છે જેમાં સૌથી વધુ વિટંબણા લાગી રહી હોય તો પોલીસને છે. જનરક્ષક નામની 112 સેવામાં પોલીસને જે વાન (બોલેરો) ફાળવાઈ છે તે પોલીસ વાનના જાણે પગ બંધાયેલા અથવા તો સાવ ચિઠ્ઠીના ચાકર જેવી સ્થિતિ હોય તેમ 112ની નજર સામે જ ગુનેગાર બારોબાર નીકળી જાય, કાયદો ભંગ થતો હોય છતાં અટકાવી ન શકાય. જો કોલ આવે તો જ જઈ શકે નહીં તો મૂકપ્રેક્ષક બનીને જોતું રહેવાનું. પોલીસ કર્મચારીઓમાં આવા નિયમને લઈને આંતરિક ચર્ચાઓ ચાલી છે.

112 કોલિંગ સિસ્ટમથી જે તે શહેર-જિલ્લામાં લોકલ પોલીસ ક્નટ્રોલરૂમનો રોલ ઘટી ગયો છે. જનરક્ષક-112 નામે તાજેતરમાં જ રાજ્યભરમાં તમામ શહેર-જિલ્લા લેવલે નવી બોલેરો પોલીસવાન આપવામાં આવી છે. સાથે અગાઉ લોકલ લેવલે જે પીસીઆર વાનો પેટ્રોલિંગમાં-કોલમાં દોડતી હતી તે બધી વાન પણ 112 જનરક્ષક તરીકે ડાયવર્ટ કરી નખાઈ છે. 112 સિસ્ટમ જીપીએસ આધારિત અને ગાંધીનગરથી ઓપરેટ થાય છે. જનરક્ષક-112 પોલીસ મોબાઈલને રાજ્યભરમાં જે તે પોલીસ મથકોમાં વિસ્તારોમાં ફિક્સ પોઈન્ટ (જગ્યા) પર જ હોલ્ટ રહેવાનું હોય છે. 112માંથી કોઈ કોલ આવે, સૂચના મળે તો જ જે તે સ્થળે પોલીસ સ્ટાફ 112 મોબાઈલ સાથે જઈ શકે. નહીં તો પગ બંધાયેલા હોય તેમ જે તે સ્થળે જ પોઈન્ટ પર સ્ટેટબાય રહેવાનું, પોઈન્ટ ફિક્સ કરાયા હોય તેમાં એવું હોઈ શકે કે ફટાફટ ઘટનાસ્થળે કે જે મોબાઈલ ફ્રી હોય તેને દોડાવી શકાય. સાથે પોલીસ સ્ટાફમાં જ ગણગણાટ એવો છે કે પહેલાં પીસીઆર વાન નીકળી હોય અને ક્યાંક કોઈ ઘટના બનતી દેખાય તો કોલની રાહ જોયા વિના હોલ્ટ થઈ શકે અને ક્નટ્રોલરૂમને જાણ કરાતી હતી.
આ પણ વાંચો : અમેરિકા બાદ કેનેડાએ પણ ભારત વિરોધી વલણ ફરી અપનાવ્યું : ભારતના 80 ટકા સ્ટુડન્ટ વિઝા કર્યા રદ
હવે 112 જનરક્ષક પોલીસ મોબાઈલ જ્યાં હોલ્ટ હોય અને ત્યાં નજર સામે જ કે નજીકમાં કોઈ બનાવ બનતો હોય, માથાકૂટ થતી હોય કે આવી કોઈ ઘટના ઘટે તેવું હોય તો પણ પોલીસ 112ના કોલ વિના એ સ્થળે જઈ ન શકે, 112 પોલીસ વાનમાં જ સ્ટેન્ડ બાય રહેવું પડે. આવી જ રીતે જે પોઈન્ટ પર ઉભા હોય ત્યાંથી કોઈ ગુનેગારો, શકમંદો કે આવા ઈસમો પસાર થાય તો તેમને અટકાવી ન શકે, ચેક ન કરી શકે કે કોઈ શંકાસ્પદ વાહનોને અટકાવીને તલાશી ન લઈ શકે. ચિઠ્ઠીના ચાકરની માફક 112 કોલમાંથી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી જાતે કોઈપણ કામ ન કરી શકે. જો આવું હોય તો સરવાળે રોબટીક વર્ક જેવું જે કહે તે કરવાનું, જ્યાં દોડાવે ત્યાં જવાનું જાતે કંઈ ન કરવી શકાય.
PCR બંધ થતાં પેટ્રોલિંગ ઘટ્યું, અન્ય પ્રબંધ કરવો જરૂરી !
જનરક્ષક 112 પોલીસ મોબાઈલ પૂર્વે શહેર-જિલ્લામાં પીસીઆર વાન કાર્યરત હતી. પીસીઆર હવે 112 જનરક્ષકમાં સમાવી લેવાતા જે તે વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ સાવ ઘટી ગયું. પોલીસ જેટલી વધુ ફિલ્ડમાં દેખાય તેટલો ખાખીનો ખૌફ ગુનેગારોમાં વધુ રહે. ક્રાઈમ બનતું અટકી શકે. પીસીઆરને પોલીસને જોઈને ગુનેગારો કે આવા શેરી, ગલીના ટપોરીઓ, સ્કૂલ, કોલેજ, શૈક્ષણિક સંકૂલો પાસે સડકછાપ ઈસમો, જાહેરમાં ચા-પાનના થડાઓ પર ટોળાં ઓછા જામે અથવા તો આવા સ્થળે પોલીસ વાન બે્રક લગાવે, પોલીસ ઉભી રહે તો પણ ટપોરીઓ, લુખ્ખાઓ પોબારા ભણી જાય કે આઘાપાછા થઈ જાય. પીસીઆર બંધ થતાં હવે જે તે પોલીસ મથકોમાં વન નંબર મોબાઈલ (એટલે કે પીઆઈ માટે જ એક બોલેરો) રહે. એ પણ પોલીસ મથકોમાં ગુનેગારોની તપાસ કે આવા કોઈને કોઈ કામમાં કે અધિકારીને લેવા મુકવા જતી હોવાથી પેટ્રોલિંગના નામે શૂન્ય જેવું બની જશે. 112 જનરક્ષક સિવાય શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ રહી શકે એવો પણ કોઈ પ્રબંધ કરવો જરૂરી છે.
