વલસાડ પાસે ટમેટાં ભરેલા આઇસરને અકસ્માત: ટમેટાં ભેગા કરવા ચાર કલાક હાઇવે બંધ કરાયો
વલસાડ,તા.૭
વલસાડના નેશનલ હાઈવે ઉપર ગઈકાલે મોડી રાત્રે ટમેલા ભરીને જતા ટેમ્પો અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ કોઈ જાનહાની તો થઈ ન હતી પરંતુ હાલમાં ટમેટાના વધતા ભાવને કારણે અકસ્માતમાં ટેમ્પોમાંથી ટામેટા વેરિવખેર થતાં ટમેટાને બચાવવા માટે હાઈવે ચાર કલાક સુધી બંધ કરવામાં આવ્યો હતો.
આઈસર ટેમ્પો ટમેટાનો જથ્થો ભરી બેંગલોર થી ભરૂચ જવા નીકળ્યો હતો ત્યારે વલસાડના નેશનલ હાઈવે નંબર- ૪૮ ઉપર સુગર ફેક્ટરી ઓવરબ્રિજ ઉપર પડેલા ખાડાના કારણે ટેમ્પાનું ટાયર ફાટી ગયું હતું. ટેમ્પાનું ટાયર ફાટી જતાં ટેમ્પા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો ડીવાઇડર કૂદીને હાઇવેની સામેની સાઇડમાં જતો રહ્યો હતો. આ દરમિયાન અહીંથી પંજાબથી ચોકલેટ ભરીને પસાર થઇ રહેલી ટ્રક સાથે ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો. ટ્રક અને ટેમ્પો અથડાતા બંને પલટી ગયા હતા. ટેમ્પામાં ભરેલા ટમેટા હાઇવે પર વેરવિખેર થઈ ગયા હતા.જેના કારણે ટમેટાને અન્ય વાહન માં ટ્રાફસર કરવા ચાર કલાક સુધી હાઇવે બંધ કરવામાં આવ્યો હતો.