- લક્ષ્મીવાડી મેઇન રોડ અને અમીન માર્ગ પર પ્રૌઢ અને ભક્તિનગર સર્કલ પાસે હૃદય રોગનો હુમલો ભરખી ગયો
શહેરમાં હાર્ટ એટકથી મોત થવાની ઘટનાઓ વધી રહી છે.ત્યારે વધુ ચાર બનાવ સામે આવ્યા છે. જેમાં ઇમિટેશનના વેપારી પોતાના કુટુંબી ભત્રીજાના લગ્નમાં દાંડીયારાસ રમતી વેળા ઢળી પડતાં તેઓનું મૃત્યુ થયુ હતું. બીજા બનાવમાં લક્ષ્મીવાડીમાં રહેતાં ફર્નિચરના કારખાનેદાર પ્રૌઢ ઘરે એકાએક બેભાન થઇ ગયા બાદ મૃત્યુ થયું હતું. ત્રીજા બનાવમાં માસ્તર સોસાયટીમાં રહેતાં મહિલા સોફા પર બેઠા બેઠા ફોનમાં વાત કરી રહ્યા હતા.તે સમયે હૃદય રોગનો હુમલો આવતાં મોત થયું હતું અને ચોથા બનાવમાં પંચવટી સોસાયટી સિક્યુરીટી ગાર્ડનું હૃદય બેસી જતાં મૃત્યુ થયું હતું.
વધુ વિગતો મુજબ કાલાવડ રોડ પર મોટા મવા ખોડિયાર માતાજીના મંદિર પાછળની સોસાયટીમાં રહેતાં નારણભાઇ પરષોત્તમભાઇ ઠુમ્મર (ઉ.વ.પર) રાતે ટીલાળા ચોકમાં આવેલા રાજ કિંગ પાર્ટી પ્લોટ ખાતે પોતાના ભત્રીજા વિરાજ શૈલેષભાઇ ઠુમ્મરના લગ્ન પ્રસંગના દાંડીયા રાસમાં પરિવારજનો સાથે હાજર હતાં રાસ રમતાં રમતાં એકાએક વેપારી બેભાન થઇ ઢળી પડતાં ૧૦૮ બોલાવાઇ હતી અને ૧૦૮ના તબિબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. મૃત્યુ પામનાર નારણભાઇ ઇમિટેશનના વેપારી હતાં. ભત્રીજાના લગ્નમાં હાર્ટએટેક આવી જતાં મૃત્યુ થતાં પરિવારજનોની ખુશી શોકમાં ફેરવાઈ હતી.બીજા બનાવમાં લક્ષ્મીવાડી મેઇન રોડ કોઠારીયા કોલોનીમાં રહેતાં બિપીનભાઈ હિમ્મતભાઇ સિધ્ધપુરા (ઉ.વ.પર) રાતે દોઢેક વાગ્યે છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક કબાટ બનાવવાનું કારખાનુ ચલાવતાં હતાં.તેઓ પરિવારના એકના એક આધારસ્તંભ હતાં.
ત્રીજા બનાવમાં ભક્તિનગર સર્કલ પાસે માસ્તર સોસાયટીમાં રહેતાં રિધ્ધીબેન રાજેશભાઈ ગગલાણી (ઉ.વ.૫૧) સાંજે ઘરમાં સોફા પર બેસીને પડોશી સાથે ફોનમાં વાત કરતાં હતાં ત્યારે એકાએક પડી જતાં બેભાન થઇ ગયા હતાં. પતિ રાજેશભાઇએ તેમને તુરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્યુ થયું હતું. તેમને સંતાનમાં બે પુત્રી છે. પતિ સોની બજારમાં વેપાર કરે છે.જ્યારે ચોથા બનાવમાં અમીન માર્ગ પર પંચવટી સોસાયટીમાં રહેતા હરુણભાઈ ભૂરિયા કામ પરથી ઘરે આવ્યા અને બાથરૂમમાં હતા ત્યારે હાર્ટ એટેક આવતા તેઓનું મોત નીપજ્યું હતું.