પુનિતનગર-2માં ઘરે હતા ત્યારે પરવાનાવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ
કર્યુંઃ ગોળી આરપાર નીકળી જતાં ટૂંકી સારવાર બાદ દમ તોડ્યો
રાજકોટના પોલીસબેડામાં જેમની `આખાબોલા જાની’ તરીકે જેમની ઓળખ થતી હતી તે નિવૃત્ત આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર નિરંજનભાઈ જાનીએ બીમારીથી કંટાળી પોતે જ માથામાં ગોળી ધરબી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે નિરંજનભાઈ જાની ચાર વર્ષ પહેલાં પોલીસ કંટ્રોલરૂમમાંથી એએસઆઈ તરીકે નિવૃત્ત થયા હતા. આ પછી તેઓ બજરંગવાડીમાં આવેલા પુનિતનગર-2માં રહેતા હતા. દરમિયાન બુધવારે રાત્રે દસેક વાગ્યા આસપાસ નિરંજનભાઈ, તેમના પત્ની અને પુત્રવધુ ઘરમાં હાજર હતા. જો કે નિરંજનભાઈએ રૂમમાં જઈને પોતાની પાસે રહેલા પરવાનાવાળા હથિયારમાંથી માથામાં ગોળી ધરબી દેતાં તેમને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જો કે ગોળી માથાની આરપાર નીકળી જવાને કારણે તેમની હાલત અત્યંત ગંભીર થઈ ગઈ હતી જેના કારણે સારવાર કારગત ન નિવડતા રાત્રે 11ઃ30 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. વધુમાં જાણવા મળ્યા પ્રમાણે નિરંજનભાઈ જાની છેલ્લા દોઢેક વર્ષથી આંચકીની બીમારીનો સામનો કરી રહ્યા હતા. તેમની દવા પણ ચાલી રહી હતી આમ છતાં બીમારીથી કંટાળીને જ તેમણે આ પગલું ભરી લીધું હોવાનું હાલ પ્રાથમિક રીતે લાગી રહ્યું છે.
નિરંજનભાઈ એક બહેન અને એક ભાઈમાં મોટા હતા. તેમને સંતાનમાં બે પુત્ર છે જેમાંથી એક રાજકોટમાં કેમેરાનું કામકાજ કરે છે જ્યારે બીજો પુત્ર વાયરલેસ પીએસઆઈ તરીકે ગાંધીનગરમાં ફરજ બજાવ્યા બાદ પોલીસ વિભાગમાંથી રાજીનામું આપી ગાંધીનગર ખાતે જ એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું.
પૌત્રએ પાડોશીને કહ્યું, મારા દાદાને માથામાં
ગોળી લાગી ગઈ છે !
એવી વિગત પણ જાણવા મળી હતી કે નિરંજનભાઈ જાનીએ માથામાં ગોળી ધરબી દીધા બાદ ઘરમાં દેકારો થતાં તેમનો પૌત્ર પુનિતનગર-2 કે જ્યાં નિરંજનભાઈનું ઘર આવેલું છે તેની બાજુમાં જ રહેતા કશ્યપસિંહ ઝાલાને ત્યાં ગયો હતો અને કહ્યું હતું કે `મારા દાદાને માથામાં ગોળી લાગી ગઈ છે’ આ સાંભળી કશ્યપસિંહ સહિતના પાડોશીઓ નિરંજનભાઈને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું.
