રાઇડ્સ વગર લોકમેળો અધૂરો : રાજ્યમંત્રી રાઘવજી પટેલ
રેષકોર્ષ મેદાનમાં રાઇડ્સ વગરના લોકમેળાને ખુલ્લો મુકતા રાજ્યના કૃષિમંત્રી : સાંસ્કૃતિક કાર્યક્રમમાં એકપણ મહાનુભાવ ન જતા આશ્ચર્ય
રાજકોટ : રાજકોટ શહેરના રેષકોર્ષ મેદાન ખાતે શનિવારે સાંજે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ભાતીગળ ધરોહર લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જો કે, મંજૂરી પ્રક્રિયા લઈને લોકમેળાના ઉદઘાટન પ્રસંગે પણ એકપણ રાઇડ્સ શરૂ થઇ ન હોય રાઇડ્સ વગરના મેળા મામલે મીડિયાએ પ્રશ્નોનો મારો ચલાવતા કૃષિમંત્રી રાઘવજીભાઈએ પણ રાઇડ્સ વગરના મેળાને અધૂરો ગણાવી મેળામાં રાઇડ્સ શરૂ થાય તો ચાર ચાંદ લાગી જાય તેમ જણાવી રાજકોટ લોકમેળા સમિતિને જામનગર અને અન્ય શહેરમાં જે રીતે મંજૂરી આપવામાં આવી છે તે ધોરણે વહેલામાં વહેલી તકે મંજૂરી આપવા જણાવશે તેમ જણાવ્યું હતું.
રાજકોટના રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે શનિવારે ભાતીગળ ધરોહર લોકમેળાની રીબીન કાપી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે નાગરિકો માટે લોકમેળાને ખુલ્લો મુક્યો હતો.આ તકે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી હાજર રહ્યા હતા અને મહાનુભાવે ચાલીને લોકમેળાનું નિરીક્ષણ કરવાણી સાથે મહિલા આર્ટ અને ક્રાફ્ટના સ્ટોલ અને ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા નારીશક્તિ મહોત્સવ અંતર્ગત આયોજિત સરસ મેળો પણ ખુલ્લો મુક્યો હતો.
લોકમેળા ગ્રાઉન્ડમાં રાજકોટ પોલીસ દ્વારા આયોજિત પ્રદર્શન કેન્દ્રનું પણ ઉદઘાટન કર્યું હતું. ઉપરાંત ગ્રાહક સુરક્ષા કેન્દ્રના સ્ટોલ તેમજ આત્મા પ્રાકૃતિક કૃષિના સ્ટોલનું પણ ઉદઘાટન કર્યું હતું. આ તકે રાજકોટના સાંસદ રામભાઈ મોકરીયા, મેયર, પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, ડી.આઈ.જી. જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી, લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ તથા પ્રાંત-૧ અધિકારી ચાંદની પરમાર તેમજ અન્ય પ્રાંત અધિકારીઓ, પોલીસ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
બીજે નિયમ ભંગ થયા હોય તો શું આપણે પણ નિયમ ભંગ કરવો : વજુભાઇ વાળા
લોકમેળામાં રાઇડ્સ અંગે પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે, ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ગુજરાત સરકાર અને હાઇકોર્ટની ગાઈડ લાઈન મુજબ નિયમની અમલવારી કરવી આવશ્યક છે અને આ નિયમોને લઈને જ હજુ સુધી રાજકોટમાં રાઇડ્સ ચાલુ ન થઇ હોવાનું જણાવ્યું હતું. જો કે, જામનગર અને અન્ય શહેરોમાં મેળામાં રાઇડ્સ ચાલુ હોવા અંગે તેમને ઉમેર્યું હતું કે, અન્ય જગ્યાએ નિયમ ભંગ થયો હોય તો શું આપણે પણ નિયમ ભંગ કરવો ? તેમ જણાવી સરકારના નિયમો લોકોની સુખાકારી અને સલામતી માટે જરૂરી હોવાનું જણાવ્યું હતું.
રાઇડ્સ વગર રાજકોટનો લોકમેળો ફિક્કો : વિજય રૂપાણી
રાજકોટના ધરોહર લોકમેળાના ઉદઘાટન પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમવર્ગના બાળકો માટે મેળામાં ચકરડી, ફજત ફાળકા મુખ્ય આકર્ષણ હોય છે પરંતુ રાજકોટની કમનસીબી છે કે આ વર્ષે રાજકોટના લોકમેળામાં રાઇડ્સ નથી,વધુમાં રાઇડ્સ વગરનો લોકમેળો ફિક્કો લાગી રહ્યો હોવાનું પણ તેમને જણાવ્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક પણ મહાનુભાવ ન ગયા
સામાન્ય રીતે દર વર્ષે લોકમેળાના ઉદઘાટન બાદ મહાનુભાવો સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજર રહી પ્રાસંગિક ઉદબોધન કરતા હોય છે પરંતુ વર્ષો જૂની પરંપરા શનિવારે લોકમેળાના ઉદઘાટન પ્રસંગે તૂટી હતી અને મહાનુભાવો માટે સજાવવામાં આવેલ ડોમમાં માત્ર બહારથી આવેલા કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો અને મહેમાનો માટેની ખુરશી,સોફા અને પુષ્પગુચ્છ મહાનુભાવોની ગેરહાજરીમાં મુરઝાઈ ગયા હતા અને તંત્રને ખર્ચ માથે પડ્યો હતો.