મુખ્યમંત્રીએ આજે કેબિનેટની ઓચિંતી બેઠક બોલાવતા અનેક અટકળો
મોદી શાસનના 22 વર્ષની ઉજવણીના કાર્યક્રમો અંગે ચર્ચા થવાની છે પણ પ્રધાનમંડળનાં વિસ્તરણ સહિતની અનેક ચર્ચા
સામાન્ય રીતે મુખ્યમંત્રી તેની કેબિનેટની બેઠક બુધવારે બોલાવતા હોય છે અને આ પરંપરા વરસોથી ચાલી આવે છે પણ આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક રવિવારે સાંજે 4:30 વાગ્યે મંત્રીમંડળની બેઠક બોલાવી છે. આ કેબિનેટ બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે.જો કે, નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યાને ૨૨ વર્ષ પુરા થઇ રહ્યા છે અને આ નિમિત્તે રાજ્ય સરકાર એક અઠવાડિયું કાર્યકમો કરવાની છે તે અંગે ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે.
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, મંત્રીમંડળના વિસ્તરણની આ અફવાઓ તદ્દન પાયાવિહોણી છે.
રાજ્ય મંત્રીમંડળની ઓચિંતી બેઠકના પગલે ભાજપના ધારાસભ્યો અને રાજકીય વિશ્લેષકોમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને અટકળો શરૂ થઈ છે. આ હલચલને વધુ વેગ એટલે મળ્યો છે કે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમની મુલાકાત બાદ રાજ્યમાં રાજકીય ફેરફારના સંકેતની ચર્ચાઓ ચાલી રહી છે.
રાજકીય વર્તુળોમાં તર્ક-વિતર્ક થઈ રહ્યા છે કે, અચાનક બોલાવાયેલી કેબિનેટ બેઠક મંત્રીમંડળના વિસ્તરણના મોટા નિર્ણય માટે છે કે અન્ય કોઈ મહત્વના નીતિ-પ્રસ્તાવ માટે છે? પરંતુ વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, મંત્રીમંડળના વિસ્તરણની આ અફવાઓ તદ્દન પાયાવિહોણી છે. કોઈ મંત્રીમંડળના વિસ્તરણની યોજનાઓ હાલની સ્થિતિમાં ન હોવાના દાવાઓ ટોચના સૂત્રો કરી રહ્યા છે.
વાસ્તવમાં, આ બેઠકનો હેતુ આગામી પખવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 22 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાનારી ઉજવણી અને તેની તૈયારી માટે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કારણસર કેબિનેટની બેઠક સામાન્ય દિવસ કરતાં વહેલી બોલાવાઈ છે.
મોદી શાસનના 22 વર્ષની ઉજવણી નિમિત્તે આખી સરકાર વ્યસ્ત રહેશે અને તેને લઈને રાજ્ય સરકાર મહત્ત્વની ઘોષણાઓ કરી શકે છે. કુલ મળીને, મંત્રીમંડળના વિસ્તરણની આશંકા તદ્દન પાયાવિહોણી છે, તેમ છતાં રાજકીય હલચલ યથાવત્ રહી છે.