ભાજપ દેશનું બંધારણ બદલી નાંખવા માગે છે : પ્રિયંકા ગાંધી
- વલસાડના ધરમપુરમાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં જાહેરસભાને સંબોધન
- વડાપ્રધાન મોદીએ ગરીબોના નહીં, કરોડપતિ મિત્રોના રૂપિયા માફ કર્યા છે.
વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે આવેલા કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ વડપ્રધાન અને ભાજપની નેતાગીરી ઉપર આકરાં પ્રહાર કર્યા હતા.તેમણે ભાજપ પર બંધારણ બદલવાના આરોપો પણ લગાવ્યા હતા. પ્રિયંકાએ બેરોજગારી, મોંઘવારી મામલે મોદી સરકારને ઘેરી હતી. તેણે જણાવ્યું કે મોંઘવારીએ કમર તોડી નાખી છે, પરંતુ મોદી સરકારે ખાલી ચૂંટણી આવી ત્યારે ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડ્યા છે.
પ્રિયંકાએ એમ પણ કહ્યું કે ભાજપના નેતાઓ સતત મોદીનું નામ લઈ કહે છે કે મોદીએ એક ચપટી વગાડી વિશ્વમાં ચાલતા યુદ્ધને રોકી દીધા છે તો મોદી એક ચપટી વગાડી તમને રોજગાર કેમ નથી આપતા. તેમણે કહ્યું કે તમને માત્ર પાંચ કિલો રાશન આપી દેવામાં આવે છે, પરંતુ તમારા સંતાનોના ભવિષ્યનું શું, તેમના શિક્ષણ અને રોજગારની ચિંતા કોણ કરશે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે શરૂઆતમાં ના પાડનાર ભાજપની નીયત બંધારણ બદલવાની છે. ભાજપના નેતાઓ બંધારણ બદલવાની વાતો કરે છે. લોકશાહી અને દેશની જનતાને ભાજપ દુર્બળ બનાવવા માંગે છે. 10 વર્ષમાં લોકશાહીને નિર્બળ બનાવવાનો પ્રયાસ કરાયો છે. સ્વાયત સંસ્થાઓને નિર્બળ બનાવવાનો પ્રયાસ કરાયો છે.
પ્રિયંકાએ દાદી અને દેશના પહેલા વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીને યાદ કરતા જણાવ્યું હતું કે તેઓ જ્યારે પોતાના મતવિસ્તારમાં કે દેશના ખૂણે ખૂણે જતા ત્યારે લોકો તેમને પોતાની સમસ્યા કહેતા અને તેઓ તેમને શાંતિથી સાંભળતા. તેમને ખરાબ ન લાગતું, પરંતુ મોદી સામે તેમના જ નેતાઓ મોઢું ખોલવા તૈયાર નથી. સ્થિતિ શું છે, તમારી સમસ્યા શું છે તે તેમને ખબર જ નથી.
પ્રિયંકાએ ઈલેક્ટ્રોલ બૉન્ડ વિશે પણ મોદી સરકારને આડે હાથ લીધી. તેમણે તેને ઉઘાડી લૂંટ કહી હતી. આ સાથે ખેડૂતો વિશે જણાવ્યું હતું કે તમારા ઉપયોગમાં આવતી બધી વસ્તુઓ પર જીએસટી લગાવી દેવામાં આવ્યો છે. તમને ક્યારેય લૉનમાફી નથી આપી, પરંતુ તેમના ઉદ્યોગપતિ મિત્રોના રૂ. 16 લાખ કરોડ માફ કરી દીધા છે. પ્રિયંકાએ ગેરંટી આપી હતી કે ઈન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે ત્યારે ખેતપેદાશની તમામ વસ્તુઓ પરથી જીએસટી હટાવી દેશું. તેમણે કહ્યું હતું કે મોદી સ્ટેજ પર તો એવી રીતે આવે છે જાણે એ સુપરમેન હોય, પણ તે સુપરમેન નહીં મોંઘવારીમેન છે.વડાપ્રધાન મોદીએ ગરીબોના નહીં, કરોડપતિ મિત્રોના રૂપિયા માફ કર્યા છે.
પ્રિયંકાએ મહિલાઓ પર થતાં અત્યારચાર મામલે પણ જણાવ્યું હતું કે જ્યારે જ્યારે મહિલા અત્યાચારના કિસ્સા બહાર આવ્યા ત્યારે મોદીએ મોઢું ફેરવી લીધું છે. પ્રિયંકા ગાંધીએ લોકોને અપીલ કરી હતી કે કોઈની વાતોમાં આવી જતા અને તમારી સ્થિતિ કેવી છે, તમે કેવું જીવન જીવી રહ્યા છો તે જોઈ વિચારી મતદાન કરજો.
