પાડોશીના ઘેર મહેંદી મુકાવવા ગયેલી ૧૩ વર્ષની બાળકીએ ૧૦.૮૦ લાખના ઘરેણા ચોર્યા !
ચોરી કર્યા બાદ ઘેર આવી બહેનપણીના ઘરેણા હોવાનું કહી માતાને પણ ઉલ્લુ બનાવી માતાને શંકા જતાં ચૂપચાપ ઘરેણા મુકવા ગયા પણ તે પહેલાં પાડોશી આવી જતાં ભાંડો ફૂટ્યો ઘરેણા ગમી જતાં ચોરી કર્યાનું રટણ: કોઇની દોરવણી હોવાની પણ આશંકા: તમામ મુદ્દામાલ રિકવર
માતાના બીજા લગ્ન; અગાઉના સાસરિયા બાળકીને બેફામ મારતાં હોય છોડી દીધા’તા
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે બાળકીની માતાના આ બીજા લગ્ન છે. અગાઉના સાસરિયા બાળકીને બેફામ માર મારતાં હોય કંટાળીને માતાએ છૂટાછેડા લીધા હતા અને બીજુ ઘર માંડ્યું હતું. બાળકીના સાવકા પિતા સેલ્સમેન તરીકે કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
માતાને કહ્યું, આ ઘરેણા ખોટા છે !
ઈમિટેશનનું કામ કરતી બાળકીની માતાએ જ્યારે આટલા બધા ઘરેણા એક સાથે જોયા તો શંકા સાથે બાળકીને પૂછયું હતું કે આ ઘરેણા ક્યાંથી આવ્યા ? જો કે બાળકીએ આ ઘરેણા તેની બહેનપણીના હોવાનું અને ખોટા છે તેમ કહી માતાને પણ ઉઠા ભણાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ માતાએ સાચા-ખોટા ઘરેણાની પરખ કરતાં જ આ ઘરેણા સાચા હોવાનું લાગતાં બાળકીને વ્યવસ્થિત પૂછતાં તે ભાંગી પડી હતી અને પાડોશીના ઘરમાંથી ચોરી કરી આવ્યાનું જણાવ્યું હતું.
જેની કલ્પના પણ ન થઈ શકે તેવી ચોરીની એક ઘટના આજી ડેમ પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. ૧૩ વર્ષની બાળકીએ પાડોશીના ઘરમાંથી જ ૧૦.૮૦ લાખના ઘરેણાની ચોરી કર્યાનું સામે આવતાં પોલીસ જ નહીં બલ્કે સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. બાળકી પાડોશીના ઘેર મહેંદી મુકાવવા ગઈ ત્યારે ત્યાં ઘરેણા ભરેલુ પર્સ આમ જ પડ્યું હોય તેની ચોરી કરીને બાળકી તેના ઘેર આવી ગઈ હતી. જો કે પોલીસ ફરિયાદ નોંધાતાં તાત્કાલિક તપાસ શરૂ કરી બાળકીને પકડી લેવામાં આવી હતી સાથે સાથે તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો હતો.
રાજકોટમાં અલગ-અલગ સ્થળે ગાડીની ફેરી કરી સાબુનો વેપાર કરતા ઘનશ્યામ અરવિંદભાઈ ડોબરિયા (ઉ.વ.૩૭)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે કોઠારિયામાં રોલેક્સ રોડ પર સત્યમ પાર્ક શેરી નં.૨માં રહે છે. ૧ એપ્રિલે બપોરે ત્રણેક વાગ્યે તે સાબુનો વેપાર કરવા માટે ગયો હતો અને સાંજે સાત વાગ્યે ઘેર પરત આવ્યો ત્યારે પત્ની પારૂલે જણાવ્યું હતું કે તે શેરીમાં બપોરે ચારથી છ વાગ્યા સુધી બજારમાં બેઠા હતા ત્યારે ઘરના દરવાજા ખુલ્લા હોય એ સમયે દિવાલના ખુલ્લા કબાટમાં પડેલુ પર્સ તેમજ તેમાં રહેલા ૧૦.૮૦ લાખની કિંમતના ઘરેણા જોવા મળ્યા ન્હોતા.
આ ઘરેણામાં બે તોલાનું મંગળસૂત્ર, બે તોલાનો હાથમાં પહેરવાનો પોચો, બે સોનાની બૂટી સહિતનું પડેલુ હતું. ફરિયાદ નોંધાતાં જ આજી ડેમ પોલીસ મથક દ્વારા સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ કરતાં આ ચોરી કોઈ રીઢા તસ્કરે નહીં બલ્કે ફરિયાદીના ઘરની બાજુમાં જ માતા-પિતા સાથે રહેતી અને ધો.૮માં અભ્યાસ કરતી ૧૩ વર્ષની બાળકીએ કરી હોવાનું સામે આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ પછી બાળકીની પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને પોતે જ ચોરી કર્યાનું જણાવ્યું હતું. બાળકીએ પોલીસને જણાવ્યું કે એક એપ્રિલે તે પાડોશીના ઘેર મહેંદી મુકાવવા માટે ગઈ ત્યારે ત્યાં ખુલ્લામાં પર્સ પડેલુ હોય તેને ખોલીને જોતાં અંદર ઘરેણા દેખાયા હતા જે ગમી જતાં તે ઘેર લઈને આવી ગઈ હતી ! આ પછી માતાને આ ઘરેણા બહેનપણીના હોવાનું કહી ઉલ્લુ બનાવ્યા હતા પરંતુ માતા દાળમાં કંઈક કાળું હોવાનું સમજી જતાં બાળકીને વ્યવસ્થિત પૂછતાં જ ચોરી કર્યાનું કહેતા તાત્કાલિક ઘરેણા ભરેલુ પર્સ પાડોશીના ઘેર મુકવા ગયા હતા પરંતુ તે પહેલાં પાડોશી આવી ગયા હોય અને પોલીસ ફરિયાદની તજવીજ ચાલી રહી હોય ભાંડો ફૂટી ગયો હતો. અત્રે એ વાત પણ ઉલ્લેખનીય છે કે ૧૩ વર્ષની બાળકીને આ પ્રકારે ચોરી કરવાનો વિચાર આવવો પણ કોઈના ગળે ઉતરે તેવી વાત નથી ત્યારે આ ચોરી પાછળ અન્ય કોઈની દોરવણી હોવાની પ્રબળ શક્યતા હોય પોલીસે એ દિશામાં તપાસ કરવી પણ જરૂરી બની જાય છે.
