પાલતું પ્રાણીઓ (Pets) પાળવાનો ટ્રેન્ડ:દેશમાં એનિમલ ફૂડનું 4000 કરોડનું માર્કેટ,દર વર્ષે 13% વૃદ્ધિ
ભારત જો પ્રાણીઓના ખોરાકના ઉત્પાદન માટે મજબૂત કાયદાકીય માળખું ઉભું કરે, વધુ સારી લોજિસ્ટિક્સ વ્યવસ્થા વિકસાવે, અને ઉત્પાદનોની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરે તો તે વૈશ્વિક બજારમાં સ્થાન જમાવશે
આજના સમયમાં પાલતું પ્રાણીઓ (Pets) પાળવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ સાથે જ પાળતુ પ્રાણીઓના ખોરાક (Pet Food) બજાર પણ ઝડપથી વિકસી રહ્યું છે. 2025 સુધીમાં વૈશ્વિક પાળતુ પ્રાણીઓના ખોરાક બજારનું મૂલ્ય $120 અબજ પહોંચવાનું અનુમાન છે. આ બજાર દર વર્ષે 5-6% વૃદ્ધિ દર સાથે આગળ વધી રહ્યું છે.
ભારતનું પાળતુ પ્રાણીઓના ખોરાક બજાર હાલ આશરે ₹4,000 કરોડનું છે અને દર વર્ષે 13%ના વેગથી વધી રહ્યું છે. દેશના મોટા શહેરોમાં વધુ ને વધુ લોકો કૂતરા, બિલાડી જેવા પ્રાણીઓ પાળવા લાગ્યા છે. સાથે સાથે પાળતુ પ્રાણીઓ માટે ઘરમાં બનાવેલ ખોરાકની જગ્યાએ પેકેજ્ડ અને પોષક ખોરાક પસંદ કરવામાં આવી રહ્યો છે.
ઇન્ટરનેશનલ ટ્રેડ એક્સપર્ટ હિરેન ગાંધીના મત અનુસાર,ભારત જો પાળતુ પ્રાણીઓના ખોરાકના ઉત્પાદન માટે મજબૂત કાયદાકીય માળખું ઉભું કરે, વધુ સારી લોજિસ્ટિક્સ વ્યવસ્થા વિકસાવે, અને ઉત્પાદનોની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરે તો તે વૈશ્વિક બજારમાં પોતાનું સ્થાન પકડશે,
ભારતના માટે પાળતુ પ્રાણીઓના ખોરાકના બજારમાં નવી તકો ઉપલબ્ધ છે. આ માત્ર નાણાંકીય વૃદ્ધિ માટે નહીં, પરંતુ કૃષિ અને આયુર્વેદિક ક્ષેત્રને વધારવા માટે પણ મહત્ત્વનું છે.
આ વૈશ્વિક બજારમાં ભારત માટે મોટી તકો છે. આ બાબતોમાં ભારતના ઉત્પાદકો આગળ આવી શકે છે:
1. નિકાસની તકો (Exports):
ભારતીય ઉત્પાદકો એશિયા, આફ્રિકા અને મિડલ ઈસ્ટમાં પાળતુ પ્રાણીઓના ખોરાક માટે નિકાસ કરી શકે છે. ખાસ કરીને સસ્તું અને ગુણવત્તાવાળું ખોરાક પુરું પાડીને વૈશ્વિક બજારમાં સ્થાન બનાવી શકાય છે.
2. જૈવિક અને આયુર્વેદિક ફોર્મ્યુલા:
વૈશ્વિક બજારમાં જૈવિક (Organic) અને પ્રાકૃતિક પદાર્થોથી બનેલા ખોરાકની માંગ વધી રહી છે. ભારત કુકુમ, અજમો, હળદર જેવા તત્વોનો ઉપયોગ કરીને પાળતુ પ્રાણીઓ માટે ખાસ ખોરાક તૈયાર કરી શકે છે.
3. ઇનોવેશન:
પ્લાન્ટ-બેઇઝડ ફૂડ, ફ્રિઝ-ડ્રાઈડ ફૂડ અને ફોર્ટિફાઈડ નાસ્તા જેવા આધુનિક ખોરાક ઉત્પાદનો બનાવવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
4. ઈ-કોમર્સ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ:
ઑનલાઇન માર્કેટ પ્લેસની મદદથી ભારતીય ઉત્પાદકો વૈશ્વિક બજારમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી શકે છે.
વિશ્વ સ્તરે પાળતુ પ્રાણીઓના ખોરાકના બજારના મુખ્ય કારણ
1. પેટ્સ પ્રત્યે માનવીય લાગણીઓ: આજે લોકો તેમના પાળતુ પ્રાણીઓને પરિવારના સભ્યો જેવા માનતા થયા છે, જેનાથી પોષક તત્ત્વોથી ભરપૂર અને ગુણવત્તાવાળા ખોરાકની માંગ વધી રહી છે.
2. પ્રિમિયમ અને વિશિષ્ટ ડાયટ્સ: ખાસ જાતિ માટે, ઉંમર માટે, કે ખાસ સ્વાસ્થ્ય જરૂરીયાત માટેના ખોરાકની પસંદગી વધી રહી છે, જેમ કે ઓર્ગેનિક અથવા ગ્રેઇન-ફ્રી ફૂડ.
3. ઈ-કોમર્સ પલટો: ઑનલાઇન પ્લેટફોર્મ્સના કારણે હવે પાળતુ પ્રાણીઓના ખોરાકની ઉપલબ્ધતા વધવા લાગી છે.
4. એશિયા-પ્રશાંતમાં વૃદ્ધિ: ઉત્તર અમેરિકા બજારમાં આગેવાન છે, પરંતુ એશિયા-પ્રશાંત અને અન્ય વિસ્તારોમાં ઝડપથી વધતા વેપારના કારણે આ વિસ્તારો નવા બજાર બની રહ્યા છે.