નરેન્દ્ર મોદીએ સોમનાથમાં શરૂ કરેલા રામ નામ મંત્ર લેખન યજ્ઞમાં સહભાગી થતા મુખ્યમંત્રી
-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવના દર્શન, અભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી
-લેખન યજ્ઞના પ્રથમ દિવસે જ 1.51 લાખ જેટલા રામ નામ લખાયા :-
સોમનાથ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ભક્તિ ભાવપૂર્વક પૂજન અને જળાભિષેક કર્યા હતા. મુખ્યમંત્રીશ્રી ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટના શ્રીરામ મંદિર ખાતે ચાલી રહેલા સોમનાથ થી અયોધ્યા રામ નામ મંત્ર લેખન યજ્ઞમાં પણ સહભાગી થયા હતા.
આ “સોમનાથ થી અયોધ્યા રામ નામ મંત્ર લેખન યજ્ઞ” નો પ્રારંભ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરની તેમની ગુજરાત મૂલાકાત દરમિયાન સોમનાથ ટ્રસ્ટની બેઠક બાદ ગાંધીનગરમાં રાજભવન ખાતે સૌપ્રથમ રામ નામ લખીને કરાવ્યો હતો.
આ રામનામ મંત્ર લેખન યજ્ઞની પરંપરાને આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે તેમની સોમનાથ મુલાકાત દરમિયાન ત્યાંના રામ મંદિરમાં મંત્ર લેખનમાં જોડાયા હતા.
સોમનાથ અને રામ મંદિર અદ્વિતીય સમાનતાઓ ધરાવે છે, વિસર્જન બાદ સર્જનની આ મહાગાથા રાષ્ટ્રની એકતાને સુદ્રઢ કરવાનું કાર્ય કરશે. સોમનાથમાં લખાયેલ રામ નામ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સમર્પિત કરવામાં આવશે.યજ્ઞના પ્રથમ દિવસે જ 1.51 લાખ થી વધુ રામ નામ લખાયા હોય એ પ્રમાણ છે કે ભાવિકોએ આ યજ્ઞ ને આત્મસાત કર્યો છે.
શ્રી રામ નામ લેખન યજ્ઞમાં જોડાઈને મુખ્યમંત્રીશ્રીએ પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આજે સોમનાથ થી અયોધ્યા રામ નામ લેખન યજ્ઞમાં જોડવાનો ધન્ય અવસર મળ્યો છે.
સોમનાથ આવનારા દેશ-વિદેશના ભાવિકોને રામ નામ મંત્ર લેખન યજ્ઞમાં જોડીને અખંડ ભારતનો રામનામ લેખન સેતુ નિર્માણ કરવા બદલ સોમનાથ ટ્રસ્ટને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જે. ડી પરમાર, અને સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા આ પ્રસંગે મુખ્યમંત્રી નું સ્વાગત કરવામાં આવ્યું હતું.