અમદાવાદ એરપોર્ટ ઉપર ઇન્ડિગોનું લગેજ ચેકઈનું સર્વર ખોટકાતાં 27 ફ્લાઈટના 4 હજાર મુસાફરો ફસાયા
બોર્ડિંગ મોડું થતાં લખનૌથી અમદાવાદ આવતી ફ્લાઈટ પેસેન્જરો લીધા વિના ઉપડી ગઈ
અમદાવાદ તા 7
સમગ્ર દેશમાં ઇન્ડિગોની નેવીટાયર સિસ્ટમ ઠપ થઈ જતાં ચેક-ઇન સર્વર ધીમું પડી જવાથી બોર્ડિંગ પાસ ન નીકળતા અમદાવાદ એરપોર્ટ પરથી કુવૈતની એક ઇન્ટરનેશનલ સહિત 27 ફ્લાઈટનું ટેકઓફ 2 કલાક સુધી થઈ શક્યું ન હતું જેથી અમદાવાદ એરપોર્ટ પર 4000 થી વધુ મુસાફરો હેરાન થયા હતા જેના કારણે એરપોર્ટ પર મોટી સંખ્યામાં પેસેન્જર્સ પણ ભેગા થઇ ગયા હતા અને અફરાતફરી જોવા મળી હતી. કેટલાક પેસેન્જર્સે હોબાળો મચાવ્યો હતો. ફ્લાઇટ મોડી થતાં પેસેન્જર્સમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
જ્વલ્લેજ બનતી આ ઘટનામાં એરલાઈનને પણ મોટું નુકસાન થયું હતું. અમદાવાદ એરપોર્ટ પર લગેજ ચેકઈનું સર્વર ખોટકાતાં એરલાઇને બોર્ડિંગ પાસની કામગીરી મેન્યુઅલી કરવી પડી હતી, જેના કારણે વિલંબ થતાં ટર્મિનલમાં લાંબી કતારો લાગી હતી. સર્વરમાં ખામી દૂર થવામાં વિલંબ થતા ઇન્ડિગોની એકપછી એક સહિત 27 ડોમેસ્ટિક ફ્લાઈટોના શિડ્યુલ ખોરવાતા ટર્મિનલમાં પેસેન્જરોની ભારે ભીડ જામતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો આશરે 4 હજાર જેટલા મુસફરોને ભારે હલકી ભોગવવી પડી હતી.કેટલાક મુસાફરો તો બીજા દિવસની તારીખ બદલીને ઘરે પરત ફર્યા હતા તો ઘણા ફ્લાઈટો પણ ચૂક્યા હતા. એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીઓને પેસેન્જરોને સંભાળવામાં ઘણી મુશ્કેલી પડી હતી. લખનૌથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફલાઇટના પેસેન્જરોને મેન્યુઅલી બોર્ડિંગ પાસમાં વિલંબ થતાં તેઓ જ્યારે બોર્ડિંગ ગેટ પાસે પહોંચ્યા તેમને લીધા વિના ફલાઇટ ઉડી જતાં પેસેન્જરોએ ભારે હંગામો મચાવ્યો હતો.