WTCનો ફાઈનલ ઈંગ્લેન્ડમાં જ કેમ ? અમદાવાદમાં શા માટે નહીં ?
આર.અશ્વિને ઉઠાવ્યા સવાલ
ભારતના અનુભવી સ્પીનર આર.અશ્વિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના વેન્યુ (સ્થળ)ને લઈને સવાલો ઉઠાવ્યા છે. ઈંગ્લેન્ડ બે વખત ટેસ્ટ ક્રિકેટના વર્લ્ડકપ ફાઈનલની યજમાની કરી ચૂક્યું છે જ્યારે ૨૦૨૫માં ત્રીજી વખત યજમાની માટે તૈયાર છે. આ પગલા અંગે સવાલ ઉઠાવતા અશ્વિને સુચન આપ્યું કે ભારત અને ઓસ્ટે્રલિયા જેવા દેશ પણ આ મહત્ત્વના મુકાબલાની યજમાની કરી શકવા માટે સક્ષમ છે. ભારતમાં આ મેચ રમાય તો તેના માટે અમદાવાદનું નરેન્દ્ર મોદી એકદમ શ્રેષ્ઠ રહેશે.
અશ્વિને ઉમેર્યું કે પાછલા બે ડબલ્યુટીસી ફાઈનલ ઈંગ્લેન્ડમાં રમાયા હતા. શું આપણે સ્થળ બદલવું ન જોઈએ ? ઓસ્ટે્રલિયા અથવા ભારતમાં આ મેચ શા માટે ન રમાડી શકાય ? આપણી પાસે વિશાળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે જે એક મહાન ફાઈનલનું સાક્ષી બનવાની રાહ જોઈ રહ્યું છે. તમે આ વિશે શું વિચારો છો ? એક અન્ય વ્યક્તિએ પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે હોય તે ટીમના ગ્રાઉન્ડ પર મેચ રમાડવાનું સુચન આપ્યું હતું. આ પણ એક સારો વિચાર છે.
ભારતે અત્યાર સુધી આ ટૂર્નામેન્ટના બે ફાઈનલ મુકાબલા રમ્યા છે. પહેલી વખત ટીમ ઈન્ડિયાની ટક્કર ૨૦૨૧માં ન્યુઝીલેન્ડ સામે અને ૨૦૨૩માં બીજી વખત ઓસ્ટે્રલિયા સામે થઈ હતી. જો કે બન્ને વખતે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.