રોહિતની કેપ્ટનશિપ જશે ? ક્રિકેટ બોર્ડે તેડું મોકલ્યું !
ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સાથે પરાજયનું પોસ્ટમોર્ટમ તેમજ આગામી ભવિષ્યની ચર્ચા કરાશે
રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ ઈતિહાસ રચવાથી ચૂકી ગઈ છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સહિત ક્રિકેટ રસિકો આ હારના ગમમાંથી ધીમે ધીમે બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે એવા અહેવાલો મળી રહ્યા છે કે બીસીસીઆઈએ કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરને તેડું મોકલી આગામી ચાર વર્ષ માટે ત્રણેય ફોર્મેટમાં નવેસરથી ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે.
અહેવાલો પ્રમાણે આ બેઠકમાં રોહિતના મર્યાદિત ઓવરના ફોર્મેટમાં ભવિષ્ય પર સ્પષ્ટતા તેમજ વધુ એક કેપ્ટન તૈયાર કરવા માટે વાતચીત થશે. સૂત્રોએ કહ્યું કે રોહિત શર્માએ પહેલાં જ પસંદગીકારોને કહી દીધું હતું કે જો ટી-૨૦માં તેના નામ પર વિચાર થઈ રહ્યો નથી તો તેને કોઈ જ વાંધો નથી. ભારતીય પસંદગીકારો યુવા ખેલાડીઓને મહત્ત્વ આપવા માગે છે. આવામાં એ જોવું રસપ્રદ રહેશે કે રોહિત પોતાના વન-ડે કરિયરને કઈ રીતે જુએ છે. વર્ષ ૨૦૨૭માં આગલો વન-ડે વર્લ્ડકપ રમાશે ત્યારે રોહિતની ઉંમર ૪૦ વર્ષની નજીક પહોંચી જશે.
આ પહેલાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. ૨૦૨૫માં આ ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. જ્યારે આવતા વર્ષે ટી-૨૦ વર્લ્ડકપ રમાવાનો છે તેને ધ્યાનમાં રાખી પસંદગીકારો યુવાનો ઉપર વધુ રોકાણ કરે તેવી શક્યતા નકારી શકાતી નથી.
સૂત્રોએ કહ્યું કે બોર્ડ અને પસંદગીકારો આગામી આઈપીએલ અને ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૪ બાદ જ વન-ડે માટે યોજના તૈયાર કરશે. તેની સામે સૌથી મોટો પડકાર લાંબા સમય સુધી કેપ્ટન તૈયાર કરવાની રહેશે.