ટી-20 વર્લ્ડ કપના રમાનાર મેચમાં શું મળી ધમકી ? વાંચો
આતંકીઓ હવે રમતને પણ નિશાન પર લેવા માંગે છે અને લોકોમાં ભય પેદા કરવા માંગે છે. આવતા મહિને શરૂ થઈ રહેલા T-20 ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ભારત-પાકિસ્તાનની મેચ પર આતંકવાદી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. આ મેચ 9 જૂને ન્યૂયોર્કના લોંગ આઈલેન્ડના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ અંગે સુરક્ષા એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.
આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે એક વીડિયોમાં ધમકી આપી છે. વીડિયોમાં ડ્રોન હુમલાની ચેતવણી આપવામાં આવી છે. ધમકીનો વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા કડક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે કહ્યું કે તેમણે ન્યૂયોર્ક પોલીસને સુરક્ષા વધારવા માટે સૂચના આપી છે. સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા જવાનોની હાજરી વધારવામાં આવશે.
લોકોએ મોનિટરિંગ અને સંપૂર્ણ તપાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. દક્ષિણ અને મધ્ય એશિયામાં સક્રિય ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠનની શાખા આઈએસ -ખોરાસાન દ્વારા ચેટ ગ્રુપમાં પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં આ ધમકી આપવામાં આવી છે.
હોચુલે કહ્યું કે આ સમયે કોઈ સુરક્ષા ખતરો નથી, પરંતુ અમે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. તેમણે કહ્યું કે એપ્રિલથી જ તેમને ધમકીઓ મળવા લાગી હતી. ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠન એટલે કેઆઈએસઆઈએસએ બ્રિટિશ ચેટ સાઇટ પર ક્રિકેટ સ્ટેડિયમની તસવીર પોસ્ટ કરી હતી જેના ઉપર ડ્રોન ઉડી રહ્યા હતા..