વોર્નરે સૌને ચોંકાવ્યા: ટેસ્ટની સાથે વન-ડેમાં લીધો સંન્યાસ
દુનિયાભરની ટી-૨૦ લીગમાં રમવા માટે લીધો નિર્ણય: વર્લ્ડકપ ફાઈનલમાં રમેલી મેચ કરિયરનો છેલ્લો મુકાબલો: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમને જરૂર પડશે તો ઉપલબ્ધ રહેશે !
ઑસ્ટે્રલિયાના દિગ્ગજ બેટર ડેવિડ વૉર્નરે ટેસ્ટની સાથે જ વન-ડે ક્રિકેટમાંથી પણ સંન્યાસની જાહેરાત કરી દીધી છે. જો કે તે ઑસ્ટે્રલિયા વતી ટી-૨૦ ક્રિકેટ રમવાનું ચાલું રાખશે. આ ૩૭ વર્ષીય ઓપનિંગ બેટરે એવી સ્પષ્ટતા પણ કરી છે કે જો ૨૦૨૫માં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમને તેની જરૂર પડશે તો તે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. પોતાના ઘરેલું મેદાન સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમતા પહેલાં વોર્નરે ખુલાસો કર્યો કે ઑસ્ટે્રલિયાનો નવેમ્બરમાં ભારત વિરુદ્ધ વર્લ્ડકપ ફાઈનલ તેનો ૫૦ ઓવરનો ફોર્મેટનો અંતિમ મુકાબલો હતો.
વોર્નરે કહ્યું કે હું નિશ્ચિત રીતે વન-ડે ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ રહ્યો છું. આ કંઈક એવું હતું જે મેં વર્લ્ડકપ ૨૦૨૩ દરમિયાન કહ્યું હતું કે ભારતમાં જીતવું જ છે. આ મારા જીવનની સૌથી મોટી ઉપલબ્ધી છે. હું એટલા માટે સંન્યાસ લઈ રહ્યો છું જેથી મને દુનિયાભરની અન્ય લીગમાં રમવાની તક મળી શકે. હું જાણું છું કે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ટૂંક સમયમાં થશે. આ બે વર્ષમાં જો હું સારું ક્રિકેટ રમતો રહ્યો અને ટીમને મારી જરૂર પડશે તો હું પસંદગી માટે ઉપલબ્ધ રહીશ.
વોર્નરના નામે બબ્બે વર્લ્ડકપ નોંધાયા છે. ૨૦૨૩ના વર્લ્ડકપમાં તેણે ઑસ્ટે્રલિયા વતી સૌથી વધુ રન બનાવ્યા હતા. વોર્નરે ૨૦૦૯માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ હોબાર્ટમાં પોતાના વન-ડે કરિયરનો પ્રારંભ કર્યો હતો. તેણે ૧૬૧ વન-ડે મેચ રમી જેમાં ૪૫.૩૦ની સરેરાશથી ૬૯૩૨ રન બનાવ્યા છે. તેના નામે આ ફોર્મેટમાં ૨૨ સદી અને ૩૩ ફિફટી સામેલ છે.