ક્રિકેટરો માટે આજે લખપતિ-કરોડપતિ બનવાનો દિવસ !!
૧૦ ટીમ ૩૩૩માંથી ૭૭ ખેલાડી પર કરશે ૨૬૩ કરોડનો ખર્ચ: પહેલી વાર હરાજી ભારતની બહાર થશે: બપોરે ૧ વાગ્યાથી પ્રારંભ, જિયો સિનેમા-સ્ટાર સ્પોર્ટસ પર લાઈવ પ્રસારણ
સૌથી વધુ પૈસા ગુજરાત પાસે ઉપલબ્ધ સામે હાર્દિકનો વિકલ્પ શોધવાનો પણ પડકાર: ૨૧૪ ભારતીય અને ૧૧૯ વિદેશી ખેલાડીનું નસીબ ચમકશે
ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)ની આગામી સીઝન માટે ખેલાડીઓની આજે દુબઈ ખાતે હરાજી કરવામાં આવશે. પહેલી વખત આઈપીએલ માટેની હરાજી વિદેશમાં કરવામાં આવી રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ૩૩૩ ખેલાડીઓના નામ શેયર કર્યા છે જેમના નામ ઉપર લાખો-કરોડો રૂપિયાની બોલી લાગશે. ૧૦ ટીમો વચ્ચે ૭૭ ખેલાડીઓની જ ખરીદી થઈ શકશે મતલબ કે ૩૩માંથી ૭૭ ખેલાડીઓ વેચાશે જેમાં ૩૦ વિદેશી સામેલ હશે. આ માટે ૨૬૩ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ હરાજીનો પ્રારંભ બપોરે ૧ વાગ્યાથી થશે. હરાજીનું લાઈવ પ્રસારણ જીયો સિનેમા ઉપર ઉપલબ્ધ હશે જ્યારે સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પોતાની વિવિધ ચેનલો ઉપર કાર્યક્રમનું પ્રસારણ કરશે. કુલ ૩૩૩ ક્રિકેટરોની હરાજી થશે જેમાંથી ૨૧૪ ભારતીય અને ૧૧૯ વિદેશી ખેલાડી સામેલ છે. દરેક ટીમ વધુમાં વધુ ૨૫ અને ઓછામાં ઓછા ૧૮ ખેલાડીઓ ટીમમાં રાખી શકે છે જેમાં મહત્તમ ૮ ખેલાડી વિદેશી હોય છે. ૧૦ ટીમોએ કુલ ૧૭૩ ખેલાડીઓને રિટેન કર્યા છે જેમાં ૫૦ વિદેશી ક્રિકેટર છે. ચેન્નાઈ સુપરકિંગ્સ, લખનૌ સુપર જાયન્ટસ અને સનરાઈઝર્સ હૈદરાબાદે સૌથી વધુ ૧૯ ખેલાડીઓને રિટેન કર્યા છે.
ઈતિહાસમાં પહેલી વખત મહિલા કરશે હરાજી
જાણકારી પ્રમાણે આઈપીએલ ઈતિહાસમાં પહેલી વખત એક મહિલા ઑક્શનર (હરાજી કરનાર) દ્વારા હરાજીનું સંચાલન કરવામાં આવશે. મલ્લિકા સાગર આ ભૂમિકા ભજવશો જે અગાઉ બે વખત મહિલા પ્રિમીયર લીગમાં ઑક્શનરનું કામ કરી ચૂક્યા છે.
કઈ ટીમ પાસે કેટલી રકમ
ચેન્નાઈ ૩૧.૪ કરોડ
દિલ્હી ૨૮.૯૫ કરોડ
ગુજરાત ૨૩.૧૫ કરોડ
લખનૌ ૧૩.૯ કરોડ
મુંબઈ ૧૫.૨૫ કરોડ
પંજાબ ૨૯.૧ કરોડ
બેંગ્લોર ૪૦.૭૫ કરોડ
રાજસ્થાન ૧૪.૫ કરોડ
હૈદરાબાદ ૩૪ કરોડ
આટલા ખેલાડીઓ પર રહેશે સૌની નજર
રચિન રવીન્દ્ર, ટે્રવિસ હેડ, હેરી બ્રુક, શાર્દૂલ ઠાકુર, પેટ કમીન્સ, મીચેલ સ્ટાર્ક, વાનિંદૂ હસારંગા, જેરાલ્ડ કોએત્ઝે, હર્ષલ પટેલ, લૉકી ફર્ગ્યુસન વગેરે
૧૬ વર્ષનો અલ્લાહ ગજનફર સહિતના અનકેપ્ડ ખેલાડીઓ ચોંકાવી શકે
હરાજીમાં અફઘાનિસ્તાનનો માત્ર ૧૬ વર્ષનો સ્પીનર અલ્લાહ ગજનફર સહિતના અનકેપ્ડ ખેલાડીઓની કિંમત ચોંકાવનારી હોઈ શકે છે. આ ઉપરાંત રાજ અંગદ બાવા, કમલેશ નાગરકોટી, સરફરાઝ ખાન, શાહરૂખ ખાન, અર્શીન, રિઝવી સહિતના ખેલાડીઓની પણ નોંધપાત્ર કિંમત ઉપજી શકે છે.
મૉક ઑક્શનમાં સ્ટાર્ક પર ૧૮.૫ કરોડ, શાર્દૂલ ઉપર લાગી ૧૪ કરોડની બોલી !
આજે દુબઈમાં આઈપીએલ માટે ખેલાડીઓની હરાજી થવાની છે. આ પહેલાં સોમવારે આઈપીએલ મૉક ઑક્શન આયોજિત કરાયું હતું જેમાં એક પેનલે પોતપોતાના હિસાબથી ખેલાડીઓ પર બોલી લગાવી હતી. આ પેનલમાં આકાશ ચોપડા, રોબિન ઉથપ્પા, આર.પી.સિંહ, ઝહીર ખાન, પાર્થિવ પટેલ, અનિલ કુંબલે, ઈયોન મોર્ગન અને સુરેશ રૈના જેવા પૂર્વ ખેલાડીઓ સામેલ હતા. આ મોક ઑક્શનમાં ઑસ્ટે્રલિયાના મીચેલ સ્ટાર્ક અને આફ્રિકાના યુવા પેસર ગેરાલ્ડ કોએત્ઝીએ સૌના હોંશ ઉડાવી દીધા હતા. સ્ટાર્ક ઉપર બેંગ્લોરે ૧૮.૫ કરોડ તો કોએત્ઝી ઉપર ૧૮ કરોડની બોલી લાગી હતી !! આ ઉપરાંત કમીન્સ ઉપર હૈદરાબાદે ૧૭.૫ કરોડ તો શાર્દૂલ ઉપર ૧૪ કરોડની બોલી લાગી હતી.