કોહલી સાથે બાખડનારા નવીન ઉલ હક્ક સહિત ત્રણ ખેલાડી પર પ્રતિબંધ
બે વર્ષનો પ્રતિબંધ લાગતાં જ આઈપીએલની લખનૌ, હૈદરાબાદ, કોલકત્તા ટીમને ઝટકો: નવીન ઉપરાંત મુજીબ અને ફઝલહક્ક ફારૂકી સામે અફઘાન બોર્ડની આકરી કાર્યવાહી
આઈપીએલની આગામી સીઝન શરૂ થાય તે પહેલાં જ લખનૌ સુપરજાયન્ટસ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકત્તા નાઈટ રાઈડર્સને ઝટકો લાગી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ ત્રણેય ટીમના ત્રણ ખેલાડી આઈપીએલની ૧૭મી સીઝનમાં રમી શકે તેમ નથી કેમ કે ત્રણેય ખેલાડી પર તેના ક્રિકેટ બોર્ડે બે વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. આ ત્રણેય ખેલાડી અફઘાનિસ્તાનના છે.
અફઘાન ક્રિકેટ બોર્ડે વિરાટ કોહલી સાથે બાખડનારા ફાસ્ટ બોલર નવીન ઉલ હક્ક, સ્પીનર મુઝીબ ઉર રહમાન અને ફાસ્ટ બોલર ફઝલહક્ક ફારૂકીના જક્કી વલણને કારણે કાર્યવાહી કરી છે.
નવીન-મુજીબ-ફારૂફી નેશનલ ટીમની જગ્યાએ વ્યક્તિગત હિતને વધુ મહત્ત્વ આપી રહ્યા હતા. અફઘાન ક્રિકેટ બોર્ડે ત્રણેય ખેલાડીઓ પર ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકવા સહિતનું નિવેદન આપ્યું છે. એસીબીનું કહેવું છે કે આ ત્રણેય ખેલાડી પોતાની નેશનલ ટીમની જગ્યાએ વિદેશી લીગમાં વધુ રમવા પર જોર આપી રહ્યા હતા. અફઘાન બોર્ડે ત્રણેયને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપવા પર પણ રોક લગાવી દીધી છે.
અફઘાન બોર્ડે આ મામલે એક સમિતિની રચના કરી છે. સમિતિના એક સભ્યનું કહેવું છે કે આ ખેલાડીઓએ બોર્ડને પોતાના નિર્ણયથી અવગત કરાવ્યું હતું. ત્રણેયે બોર્ડને કહ્યું હતું કે તેને ૧ જાન્યુઆરી-૨૦૨૪થી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી મુક્તિ આપવામાં આવે. આ ઉપરાંત ટીમમાં પસંદગી કરતા પહેલાં ત્રણેયની મંજૂરી લેવામાં આવે.