દુલિપ ટ્રોફીમાં ત્રીજા દિવસે લાગી ત્રણ સદી
- તીલક વર્મા, અભિમન્યુ ઈશ્વરન અને પ્રથમ સિંહની ધમાકેદાર બેટિંગ
દુલિપ ટ્રોફીમાં ઑલરાઉન્ડર તીલક વર્મા, બેટર અભિમન્યુ ઈશ્વરન અને પ્રથમ સિંહે ધમાકેદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. ત્રણેયે દુલિપ ટ્રોફીના બીજા રાઉન્ડના ત્રીજા દિવસે સદી બનાવી હતી. ઈન્ડિયા `એ’નો ભાગ રહેલા તીલકે બીજી ઈનિંગમાં ઈન્ડિયા `ડી’ સામે સદી બનાવી હતી. આ તીલક વર્માની ફર્સ્ટ ક્લાસ કરિયરની પાંચમી સદી હતી.
જ્યારે ઈન્ડિયા `એ’ વતી પ્રથમ સિંહે પણ સદી બનાવી હતી. રેલવે વતી રમતા આ બેટરે ૧૮૯ બોલમાં ૧૨ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૨૨ રનની ઈનિંગ રમી હતી. તેણે દુલિપ ટ્રોફીમાં પહેલી વખત સદી બનાવી હતી. તેણે તીલક સાથે બીજી વિકેટ માટે ૧૦૪ રનની ભાગીદારી કરી હતી.
બીજી બાજુ ઈન્ડિયા `બી’ના કેપ્ટન અને ઓપનિંગ બેટર અભિમન્યુ ઈશ્વરને ઈન્ડિયા `સી’ વિરુદ્ધ મુશ્કેલ સ્થિતિમાં સદી બનાવી હતી. આ તેની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરની ૨૪મી સદી હતી.