મારા વિરુદ્ધના કેસમાં કોઈ દમ નથી, સુનાવણી ન કરો, ધોનીએ કોર્ટને કરી અપીલ
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પોતાના વિરુદ્ધ દાખલ થયેલી માનહાનીની અરજી પર સુનાવણી નહીં કરવા અપીલ કરી છે. ધોનીએ અરજીમાં કહ્યું કે આ અરજી સુનાવણી યોગ્ય નથી. હાલ હાઈકોર્ટે ધોની, અનેક મીડિયા હાઉસ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો વચગાળાનો આદેશ આપવાનો ઈનકાર કર્યો છે.
ધોનીના પૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર અને તેની પત્ની સૌમ્યા દાસે ધોની, અનેક સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ અને મીડિયા હાઉસ વિરુદ્ધ સ્થાયી રોક તેમજ ક્ષતિપૂર્તિની માંગ કરતાં હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. દરમિયાન ધોનીના વકીલે કોર્ટમાં રજૂ થઈને કહ્યું કે ધોની વિરુદ્ધ દાખલ અરજી સુનાવણી યોગ્ય નથી. તેણે તાજેતરમાં જ રાંચીની એક અદાલતમાં દંપતિ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.
ધોનીના વકીલે આગળ કહ્યું કે તેમને આ કેસને લગત કોઈ સામગ્રી મળી નથી જેથી અદાલતે ત્રણ દિવસની અંદર તમામ સામગ્રી પૂરી પાડવાનો આદેશ આપ્યો છે.