ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવવાની જવાબદારી હવે પોલાર્ડના હાથમાં !
આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપ શરૂ થવા આડે હવે ૬ મહિના બાકી રહ્યા છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ માટે ઈંગ્લેન્ડે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. વર્લ્ડકપના મુકાબલા વિન્ડિઝ અને અમેરિકામાં રમાવાના છે જેને ધ્યાનમાં રાખી ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે વિન્ડિઝના દિગ્ગજ ઑલરાઉન્ડર કાયરન પોલાર્ડને પોતાના કોચિંગ સ્ટાફમાં સામેલ કર્યો છે.
પોલાર્ડ ૨૦૧૨ ટી-૨૦ વર્લ્ડકપ જીતનારી વિન્ડિઝ ટીમનો હિસ્સો હતો. તેણે પોતાના કરિયરમાં ૬૩૭ ટી-૨૦ મેચ રમી છે જેમાં ૧૬૭ વખત તે અણનમ રહ્યો છે તો ૧૨૩૯૦ રન બનાવ્યા છે જેમાં એક સદી અને ૫૮ ફિફટી સામેલ છે. પોલાર્ડ ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં એક ઓવરમાં છ છગ્ગા ફટકારી ચૂક્યો છે. આ કારનામું શ્રીલંકા વિરુદ્ધ તેણે સ્પિનર ધનંજય ડિસિલ્વાની ઓવરમાં કર્યું હતું. પોલાર્ડ અનેક સીઝન સુધી આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ વતી રમ્યો હતો.