દુબઈમાં જેટલો ફાયદો અમને મળ્યો એટલો જ બીજી ટીમને થયો: ગંભીર
યાદ નથી કે અમે છેલ્લે અહીં કઈ ટૂર્નામેન્ટ રમ્યા હતા: અમે આ ગ્રાઉન્ડ પર એક દિવસ પ્રેક્ટિસ પણ નથી કરી
વોઈસ ઓફ ડે, નવીદિલ્હી
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા પોતાની તમામ મેચ દુબઈમાં રમ્યા બાદ ફાઈનલ પણ હવે દુબઈમાં જ રમવાની છે ત્યારે પાકિસ્તાન સહિત અનેક દેશના પૂર્વ ક્રિકેટરોએ ભારતને દુબઈમાં એક જ જગ્યાએ રમવાનો ફાયદો મળ્યાનો આરોપ પણ મુક્યો હતો. આ અંગેનો સવાલ પૂછાતાં જ કોચ ગંભીર ભડક્યા હતા અને તેમણે આકરો જવાબ આપ્યો હતો.
ગંભીરે કહ્યું કે ભારતીય ટીમને દુબઈમાં રમવાનો કોઈ જ અનુચિત ફાયદો મળી રહ્યો નથી અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે અહીં પહોંચ્યા બાદ ટીમે આ મેદાન ઉપર કોઈ પ્રેક્ટિસ પણ કરી નથી. અમને ફાયદો થઈ રહ્યો છે તેવું કહેવાય છે પરંતુ આખરે કયો ફાયદો એ વિશે કોઈ નથી બોલતું, પહેલી વાત તો એ કે અમારા માટે આ એટલું જ તટસ્થ સ્થળ છે જેટલું અન્ય ટીમો માટે છે. મને યાદ પણ નથી કે આ સ્ટેડિયમ પર છેલ્લે કઈ ટૂર્નામેન્ટ રમ્યા હતા.