બાંગ્લાદેશ પાસેથી છીનવાઈ વિમેન્સ ટી-૨૦ વર્લ્ડકપની યજમાની
હવે યુએઈ અને શારજાહમાં ૩થી ૨૦ ઑક્ટોબર દરમિયાન રમાશે ટૂર્નામેન્ટ
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલે બાંગ્લાદેશમાં પ્રવર્તી રહેલી અશાંતિને કારણે વિમેન્સ ટી-૨૦ વર્લ્ડકપને સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)માં સ્થળાંતરિત કરવાનો નિર્ણય લીધો છે. વર્લ્ડકપને ૩થી ૨૦ ઑક્ટોબર સુધી દુબઈ અને શારજાહમાં આયોજિત કરાશે. આય જમાનીનો અધિકાર બાંગ્લાદેશ પાસે જ રહેશે જેથી તેને આવકમાંથી હિસ્સો પ્રાપ્ત થશે.
આઈસીસીના મુખ્ય કાર્યકારી જ્યોફ એલાર્ડિસે એક નિવેદનમાં કહ્યું કે બાંગ્લાદેશમાં વિમેન્સ ટી-૨૦ વર્લ્ડકપની યજમાની ન થવી એક શરમની વાત છે કેમ કે અમે જાણીએ છીએ કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ એક યાદગાર આયોજન કરી શકે તેમ હતું. હું બીસીબીની ટીમને બાંગ્લાદેશમાં આ આયોજનની યજમાની માટે તમામ રસ્તા શોધવા બદલ આભાર વ્યક્ત કરું છું પરંતુ ભાગ લેનારી અનેક ટીમની સરકારોની યાત્રા સંબંધી સલાહને કારણે આ સંભવ બની શક્યું નથી. જો કે યજમાનીના અધિકાર યથાવત રહેશે. અમે નજીકના ભવિષ્યમાં બાંગ્લાદેશમાં આઈસીસી વૈશ્વિક આયોજન થાય તેવી કામના કરીએ છીએ.