સ્પેને ફ્રાન્સને હરાવીને ૩૨ વર્ષ બાદ ઑલિમ્પિકમાં જીત્યો ગોલ્ડ
લૈટિન અમેરિકાના વર્ચસ્વનો અંત: માટેતા, સર્જિયોના ગોલ નિર્ણાયક સાબિત થયા
વોઈસ ઓફ ડે, નવીદિલ્હી
પેરિસ ઑલિમ્પિકમાં સ્પેને ફ્રાન્સ વિરુદ્ધ ૫-૩થી જીત મેળવીને ઈતિહાસ રચી દીધો હતો. સ્પેને ૩૨ વર્ષ બાદ ઑલિમ્પિક મેન્સ ફૂટબોલ ફાઈનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પાર્ક ડેસ પ્રિન્સેસમાં રોમાંચક જીતથી સ્પેનિશ ફૂટબોલ માટે એક સ્વર્ણિમ સીઝન રહી હતી કેમ કે પાછલા મહિને સીનિયર ટીમે યુરોપિય ચેમ્પિયનશિપ જીતી હતી.
સ્પેન ટોક્યો ઑલિમ્પિકમાં બ્રાઝીલ સામે ફાઈનલ હારી ગયું હતું. જ્યારે આ વખતના ફાઈનલમાં ફ્રાન્સે ૩-૧થી પાછળ થયા બાદ વાપસી કરી હતી. જીન ફિલિપ માટેતાએ ત્રીજી મિનિટમાં પેનલ્ટી સ્પોટથી બરાબરીનો ગોલ કર્યો હતો જેના કારણે મેચ એકસ્ટ્રા ટાઈમમાં ચાલી ગઈ હતી. સર્જિયો કૈમેલોએ એકસ્ટ્રા ટાઈમમાં બે ગોલ કર્યા જેનાથી સ્પેને જીત સુનિશ્ચિત કરી હતી. સ્પેન ૧૯૯૨ બાર્સિલોના ઓલિમ્પિકમાં જીત બાદ મેન્સ ફૂટબોલમાં પ્રથમ યુરોપિય ગોલ્ડ મેડલ વિજેતા બની ગયું હતું.
મેચની વાત કરવામાં આવે તો બાર્સિલોનાના સ્ટાર ખેલાડી લોપેઝે બે ગોલ કર્યા અને બેનાએ પ્રથમ હાફમાં ૧૦ મિનિટની ઝડપી રમતમાં સ્પેન માટે બીજો ગોલ કર્યો હતો. એન્ઝો મિલોટ દ્વારા ફ્રાન્સ માટે પ્રથમ ગોલ કર્યા બાદ હાફ ટશઈમ સુધી સ્પેન ૩-૧થી આગળ થઈ ગયું હતું. જો કે મેચનું પાસું ત્યારે બદલાયું જ્યારે મૈગનેસ અક્લિઓચે અને જીન ફિલિપ માટેતાના માધ્યમથી ફ્રાન્સે સ્પેને વાપસી કરી હતી.
ઉલ્લેખનીય છે કે સ્પેનની જીતે ઓલિમ્પિકની પાછલી પાંચ સીઝનથી લૈટિન અમેરિકી દેશોના વર્ચસ્વને સમાપ્ત કરી દીધું હતું. એ સમયે બ્રાઝીલ અને આર્જેન્ટીનાએ બે વખત જીત હાંસલ કરી જ્યારે મેક્સિકોએ પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. નાઈઝીરિયાએ એટલાન્ટા ૧૯૯૬માં અને કેમરુને સિડની ૨૦૦૦માં જીત હાંસલ કરી હતી.