રાજકોટના મેજર ધ્યાનચંદ હૉકી ગ્રાઉન્ડ (રેસકોર્સ) ખાતે ડીજીપી હૉકી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુરુષોમાં રાજકોટ શહેર પોલીસ અને મહિલાઓમાં રાજકોટ રેન્જની ટીમ ચેમ્પિયન રહી હતી. આ ટૂર્નામેન્ટ ચાર દિવસ સુધી ચાલી હતી જેમાં પુરુષોની ૯ અને મહિલાઓની ૪ મળી કુલ ૧૩ ટીમે ભાગ લીધો હતો.
મેન્સ કેટેગરીનો ફાઈનલ મુકાબલો રાજકોટ શહેર-વડોદરા શહેર વચ્ચે રમાયો હતો જેમાં રાજકોટ ૪-૧થી વિજેતા બન્યું હતું. આ કેટેગરીમાં ત્રીજા ક્રમે હથિયારી એકમ રહ્યું હતું. ટૂર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે રાજકોટના ભગીરથસિંહ ખેરની પસંદગી કરવામાં આવી હતી.

આ જ રીતે વિમેન્સ કેટેગરીમાં રાજકોટ રેન્જ-ભાવનગર રેન્જ વચ્ચે ટક્કર થઈ હતી જેમાં રાજકોટ રેન્જે બાજી મારી હતી તો ત્રીજા ક્રમે રાજકોટ શહેર પોલીસની મહિલા ટીમ રહી હતી. આ ટૂર્નામેન્ટમાં રાજકોટ રેન્જના બિંદીશા ગોંડિલયા પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ થયા હતા.
ફાઈનલ મુકાબલો નિહાળવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૧ સજનસિંહ પરમાર, ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા, ડીસીપી (ટ્રાફિક) પૂજા યાદવ તેમજ તમામ એસીપી અને પીઆઈ હાજર રહ્યા હતા.