પંત ૬૩૪ દિવસ બાદ પહેલી ટેસ્ટ રમવા ઉતર્યો’ને ટી-૨૦ સ્ટાઈલમાં ફટકારી સદી
- માત્ર ૫૮ ઈનિંગમાં ટેસ્ટ કરિયરની છ સદી પૂર્ણ કરીને ધોનીના બરાબર પહોંચ્યો: ગીલ સાથે ૧૬૭ રનની ભાગીદારી પણ એક રેકોર્ડ
૬૩૪ દિવસ બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરીને ઋષભ પંતે શાનદાર સદી ફટકારી હતી. બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી ટેસ્ટની પહેલી ઈનિંગમાં પંત ૩૯ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. બીજી ઈનિંગમાં તેણે ૧૨૪ બોલમાં પોતાની છઠ્ઠી સદી બનાવી હતી. તે ૧૨૮ બોલમાં ૧૦૯ રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે જ તેણે પૂર્વ મહાન કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (છ સદી)ની બરાબરી પણ કરી લીધી છે.
સાત વખત નવર્સ નાઈન્ટીઝનો શિકાર થઈ ચૂકેલા ઋષભ પંતે પોતાની સદીની ઈનિંગ દરમિયાન ૧૩ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. પહેલી વખત ટેસ્ટ ક્રિકેટમાં સાથે બેટિંગ કરનારા ઋષભ પંત અને શુભમન ગીલ વચ્ચે ચોથી વિકેટ માટે ૧૬૭ રનની ભાગીદારી થઈ હતી જે આ સ્ટેડિયમમાં ભારત માટે બીજી સૌથી મોટી ભાગીદારી છે. પહેલાં નંબરે મોહિન્દર અમરનાથ-મોહમ્મદ અઝહરુદ્દીનની જોડી આવે છે જેણે ઈંગ્લેન્ડ સામે ૧૯૦ રનની ભાગીદારી કરી હતી.
માત્ર ૨૦ વર્ષની ઉંમરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ ડેબ્યુ કરનારા ઋષભ પંતે ધોનીના મોટા રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. હવે તે ધોની સાથષ ભારત માટે સૌથી વધુ સદી બનાવનારો વિકેટકિપર-બેટર બની ગયો છે. ધોનીએ છ ટેસ્ટ સદી બનાવવા માટે ૧૪૪ ઈનિંગ લીધી હતી જ્યારે પંતે માત્ર ૫૮ ઈનિંગમાં આ મુકામ હાંસલ કર્યો છે.