એક બાજુ ક્રિકેટર મેચ રમી રહ્યો’તો, બીજી બાજુ કોર્ટે દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યો !!
નેપાળની ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી અને પૂર્વ કેપ્ટન ફરી મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. તેને કાઠમાંડુની અદાલતે દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યો છે. હવે આગલી સુનાવણીમાં તેની સજાનું એલાન થશે. નેપાળની અદાલતે જાન્યુઆરીમાં સંદીપ લામીછાનેને છોડી મુક્યો હતો. તેને પાછલા વર્ષે ઓગસ્ટમાં ૧૭ વર્ષીય સગીરા પર કાઠમાંડુની એક હોટેલમાં દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ લાગ્યા બાદ પકડવામાં આવ્યો હતો. ૨૩ વર્ષીય સંદીપ લામીછાને આઈપીએલમાં રમનારો નેપાળનો પહેલો ક્રિકેટર છે. તેણે ૨૦૧૮માં દિલ્હી કેપિટલ્સ માટે ડેબ્યુ કર્યું હતું. ન્યાયાધીશ શિશિર રાજ ઢકાલની સિંગલ બેન્ચે સંદીપને દોષિત ઠેરવતો ચુકાદો આપ્યો હતો. સંદીપ અત્યારે જામીન પર બહાર છે. ૧૨ જાન્યુઆરીએ તેને છોડી મુકવાનો આદેશ અપાયો હતો. આ પછી તે અનેક જગ્યાએ લીગ ક્રિકેટ અને ઈન્ટરનેશનલ ક્રિકેટ રમતો જોવા મળ્યો હતો. સંદીપને જ્યારે સજા સંભળાવાઈ ત્યારે તે મેચ રમી રહ્યો હતો અને ટીમને જીત પણ અપાવી હતી.