હવે જય શાહની ICCના સરતાજ બનવાની તૈયારી
પ્રક્રિયા શરૂ પણ કરી દીધી: નવેમ્બરથી વિશ્વ ક્રિકેટનો સંભાળી શકે છે ચાર્જ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સેક્રેટરી જય શાહ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)ના ચેરમેન બનવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ હાલના ચેરમેન ગ્રેગ બાર્કલેની જગ્યા લઈ શકે છે. બાર્કલેએ ક્રિકેટ ઑસ્ટે્રલિયાના પ્રમુખ માઈક બેયર્ડ સહિત આઈસીસીના ડાયરેક્ટરોને એક વીડિયો કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે તેની ત્રીજી વખત આ પદ માટે ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા નથી. જય શાહના તેમના સ્થાને નવેમ્બરમાં ચૂંટણી લડવાના ઈરાદા અંગે વાકેફ કરાયા બાદ તેમણે આ નિર્ણય લીધો છે.
જય શાહને ઈંગ્લેન્ડ અને ઑસ્ટે્રલિયાના ક્રિકેટ બોર્ડનું સમર્થન મળ્યું છે. આઈસીસીના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળવા માટે તેમની પાસે પૂરતી સંખ્યા છે. જય શાહે પણ આ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આઈસીસીના પ્રવક્તાએ જણાવ્યું કે બાર્કલે હવે ત્રીજી વખત ચૂંટણી લડવાના નથી. નવેમ્બરના અંતમાં તેમનો કાર્યકાળ સમાપ્ત થાય એટલે તેઓ પોતાની જગ્યા ખાલી કરી દેશે.
બાર્કલેને નવેમ્બર-૨૦૨૦માં સ્વતંત્ર આઈસીસી પ્રમુખના રૂપમાં નિયુક્ત કરાયા હતા જે પછી તેમણે ૨૦૨૨માં ફરીથી ચૂંટણી લડી હતી.
પ્રવક્તાએ કહ્યું કે વર્તમાન ડાયરેક્ટર્સે હવે ૨૭ ઑગસ્ટ-૨૦૨૪ સુધી આગલા પ્રમુખ માટે ઉમેદવારી રજૂ કરવાની રહેશે અને જો એકથી વધુ ઉમેદવારો હશે તો ચૂંટણી થશે અને નવા પ્રમુખનો કાર્યકાળ ૧ ડિસેમ્બર-૨૦૨૪થી શરૂ થશે. આઈસીસીના નિયમો પ્રમાણે પ્રમુખની ચૂંટણીમાં ૧૯ મત હોય છે અને જીતવા માટે ૯ મતની જરૂર રહે છે. આ ૧૬માંથી મોટાભાગના મતદારો સાથે જય શાહના સારા સંબંધ છે.