મારા સ્વાભિમાનને ઠેસ પહોંચી છે, હું નિરાશ છું
ટીમ ઈન્ડિયામાંથી પડતો મુકાતાં જ ચેતેશ્ર્વર પુજારાનું દર્દ છલકાયું
ટીમ ઈન્ડિયાના અનુભવી બેટર ચેતેશ્ર્વર પુજારાનું કહેવું છે કે ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ તે એકદમ નિરાશ છે અને તેના સ્વાભિમાનને ઠેસ પહોંચી છે. ટીમમાંથી બહાર થવું એક નિરાશાજનક અનુભવ હતો અને તેના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
103 ટેસ્ટ મેચ રમી ચૂકેલા ચેતેશ્ર્વરે ભારત માટે છેલ્લી વખત જૂનમાં ઓવલમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ રમ્યો હતો જ્યાં તેણે 14 અને 27 રન બનાવ્યા હતા.
પુજારાએ કહ્યું કે પાછલા થોડા વર્ષોમાં ઉતાર-ચડાવ આવ્યો છે. એક ખેલાડીના રૂપમાં મારી પરીક્ષા લેવાઈ છે કેમ કે 90થી વધુ ટેસ્ટ મેચ રમ્યા બાદ પણ મારે ખુદને સાબિત કરવો પડી રહ્યો છે. હું ઘણી વખત નિરાશ પણ થયો છું. ઈંગ્લીશ કાઉન્ટી ક્રિકેટમાં સસેક્સ વતી રમી રહેલા પુજારાએ કહ્યું કે જો તમારે વારંવાર ખુદને સાબિત કરવા પડે છે તો તે આત્મસન્માનને ઠેસ પહોંચાડવા સમાન છે.
પુજારાએ પાછલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્ર (2021-2023)માં 17 ટેસ્ટ મેચમાં 928 રન બનાવ્યા હતા . રાજકોટના આ ખેલાડીએ દુલીપ ટ્રોફી સેમિફાઈનલમાં સેન્ટ્રલ ઝોન વિરુદ્ધ વેસ્ટ ઝોન માટે 133 રન બનાવ્યા હતા. આ પછી તેણે વન-ડે વર્લ્ડકપમાં નોર્થમ્પટનશાયર અને સમરસેટ વિરુદ્ધ સસેક્સ માટે ક્રમશ: અણનમ 106 અને 117 રન બનાવ્યા હતા. પુજારાએ કહ્યું કે હજુ તેની પાસે ભારતીય ક્રિકેટને આપવા માટે ઘણું બધું છું.