ગુરૂવારે રાજકોટમાં કોહલી-જાડેજા વચ્ચે થઈ શકે ટક્કર: પંતનું પાક્કું
કોહલી દિલ્હી વતી તો જાડેજા સૌરાષ્ટ્ર વતી ૨૩ જાન્યુઆરીએ રમી શકે: પંત, આયુષ બદોની સહિતના સ્ટાર ખેલાડી રમશે
રાજકોટમાં ૨૮ જાન્યુઆરીએ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મુકાબલો થવાનો છે. જો કે તેમાં કોહલી, રવિન્દ્ર જાડેજા, ઋષભ પંત સહિતના ખેલાડીઓ ન હોવાથી ક્રિકેટરસિકો થોડા નિરાશ થયા હતા. જો કે તેમણે નિરાશ થવાની જરૂર રહેશે નહીં કેમ કે ટી-૨૦ મેચ પહેલાં જ રાજકોટમાં કોહલી-જાડેજા વચ્ચે ટક્કર થવાની પૂરેપૂરી શક્યતા છે. બીજી બાજુ ઋષભ પંત રાજકોટમાં રમવાનો હોવાનું ફાઈનલ થઈ ચૂક્યું છે.
સામાન્ય રીતે કોહલી અને રવિન્દ્ર જાડેજા આઈપીએલમાં અલગ-અલગ ટીમ વતી રમે છે પરંતુ આ વખતે બન્ને ભારતીય સુપરસ્ટાર એક સાથે જ મેદાન ઉપર વ્હાઈટ ડે્રસ પહેરીને આમને-સામને ટકરાઈ શકે છે. ૨૩ જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર દિલ્હી-સૌરાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફીની મેચ રમવાની છે જેમાં કોહલી દિલ્હી વતી તો જાડેજા સૌરાષ્ટ્ર વતી ઉતરી શકે છે. જ્યારે ઋષભ પંત, આયુષ બદોની સહિતના ખેલાડી દિલ્હી તરફથી મેચ રમવા રાજકોટ આવશે.
બીસીસીઆઈએ તાજેતરમાં જ નિયમ અમલી બનાવ્યો છે જે પ્રમાણે ક્રિકેટરો કોઈ શ્રેણીમાં વ્યસ્ત ન હોય તો તેમણે ઘરેલું ક્રિકેટ રમવા ઉતરું પડશે. ઑસ્ટે્રલિયા પ્રવાસે ભારતીય ટીમનું પ્રદર્શન સાવ ખરાબ રહ્યું હતું. કોહલીથી લઈ રોહિત સહિતના તમામ નિષ્ફળ રહ્યા હતા. પોતાનું ફોર્મ સુધારવા માટે હવે તમામ રણજી ટ્રોફીમાં રમશે.
કોહલી દિલ્હી વતી રણજી ટ્રોફી રમશે કે નહીં તે કે ડીડીસીએ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. આવું જ કંઈક જાડેજાનું પણ છે જેણે પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને મેચ રમવા અંગે કોઈ ચોખવટ કરી નથી.
મેચ પહેલાં જ કોહલીની ગરદનમાં ઈજા: ઈન્જેક્શન લીધું
રણજી ટ્રોફીમાં ૨૩ જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર સામે ટક્કર થાય તે પહેલાં જ વિરાટ કોહલીની ગરદનમાં ઈજા થઈ જતાં તેણે ઈન્જેક્શન લેવું પડ્યું હતું. આમ હવે તે રણજી ટ્રોફીમાં રમશે કે નહીં તેને લઈને પ્રશ્નાર્થ મુકાઈ ગયું છે. કોહલીને ૧૩ વર્ષ બાદ દિલ્હીની રણજી ટ્રોફી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે પરંતુ તે રમશે કે નહીં તે અંગે ડીડીસીએ ટૂંક સમયમાં જાહેરાત કરશે. જો કે રાજકોટમાં કદાચ કોહલી મેચ ન રમે તો પણ ટીમ સાથે પ્રેક્ટિસ તો કરી જ શકે છે.