ઈશાન કિશનને ‘પાર્ટી’ કરવાની સજા મળી રહી છે ?
ટીમ ઈન્ડિયાના વિકેટકિપર-બેટર ઈશાન કિશન થોડા સમયથી ટીમમાંથી પડતો મુકાઈ ગયો છે. અફઘાન સામેની ટીમમાં પણ તેને સામેલ કરાયો નથી. થોડા દિવસ પહેલાં ઈાાને આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાંથી પોતાનું નામ પરત લઈ લીધું હતું અને દુબઈ પહોંચીને પાર્ટી કરતો જોવા મળ્યો હતો. સૂત્રએ કહ્યું કે ઈશાને પસંદગીકારોને અનુરોધ કર્યો હતો કે તેને માનસિક થાક લાગી રહ્યો છે એટલા માટે તે થોડો સમય બ્રેક લેવા માંગે છે અને પરિવાર સાથે સમય પસાર કરવા માંગે છે.
જો કે હવે અન્ય સૂત્રએ જણાવ્યું કે બ્રેક મળ્યા બાદ ઈશાન કિશન દુબઈમાં પાર્ટી કરવા પહોંચ્યો હતો. ઈશાન અફઘાન સામે શ્રેણી રમવા માટે તૈયારહતો પરંતુ આ વખતે પસંદગીકારોએ તેને નજરઅંદાજ કર્યો હતો. ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા શ્રેણીનો હિસ્સો નથી આમ છતાં ઈશાનનું ટીમમાં ન હોવું આશ્ચર્યજનક વાત છે. કદાચ બીસીસીઆઈ ઈશાનના વલણથી નારાજ છે. હવે ઈશાનને ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પસંદ કરવામાં આવે છે કે નહીં તે જોવું રસપ્રદ બની રહેશે.