IPLની ૨૧ મેચનો કાર્યક્રમ જાહેર: ચેન્નાઈ-બેંગ્લોર વચ્ચે પ્રથમ ટક્કર
૨૨ માર્ચથી ટૂર્નામેન્ટ શરૂ: બપોરની મેચ બપોરે ૨:૩૦ તો સાંજની ૬:૩૦ વાગ્યાથી શરૂ થશે
ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)નો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ટૂર્નામેન્ટનો પ્રથમ મુકાબલો ૨૨ માર્ચે ધોનીની ચેન્નાઈ સુપરકિંગ્સ અને કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે થશે. આ મુકાબલો ચેન્નાઈમાં રમાશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ૨૧ મેચ (૨૨ માર્ચથી લઈ ૭ એપ્રિલ)નો જ કાર્યક્રમ જાહેર કરાયો છે. બીજી બાજુ ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો ૨૬ મેએ રમાઈ શકે છે.
આ ટૂર્નામેન્ટમાં ૭૪ મેચ રમાશે. આ વખતે ટૂર્નામેન્ટ ૬૦ દિવસથી જગ્યાએ ૬૭ દિવસ સુધી ચાલશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી દિવસોમાં વધારો કરાયો છે. બીજી બાજુ આઈપીએલમાં અત્યાર સુધી બપોરની મેચ બપોરે ૩:૩૦થી સાંજની મેચ સાંજે ૭:૩૦ વાગ્યાથી રમાતી હતી જેમાં એક કલાક ઘટાડીને બપોરની બેચ બપોરે ૨:૩૦ તો સાંજની મેચ સાંજે ૬:૩૦ વાગ્યાથી રમાડવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
